વાપી : કેન્દ્રીય બજેટ બાદ ગુજરાતમાં ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજી બજેટનું વિશ્લેષણ હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત રવિવારે વાપીના VIA હોલ ખાતે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ વલસાડ જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો, ઉદ્યોગકારો, રાજકીય આગેવાનો સાથે બેઠક યોજી હતી. જેમાં ઉપસ્થિત તમામને કેન્દ્રીય બજેટમાં રહેલી જોગવાઈઓ અંગે ઉપયોગી માર્ગદર્શન આપી તે અંગે વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી સરકારમાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જે બજેટ રજૂ કર્યું છે, તે બજેટ ગરીબ, યુવાનો, અન્નદાતા, નારી શક્તિને કાયદા રૂપ બજેટ છે. બજેટમાં જે પણ જોગવાઈઓ કરવામાં આવી છે. તેનાથી દેશના યુવાનો તાલીમ બંધ થશે તેમજ નવી રોજગારીનું સર્જન થશે.
આ બજેટ કુલ 11 લાખ, 11હજાર 111 કરોડનું છે. જેનો દરેક નાગરિકને ફાયદો થશે. બજેટમાં ખેડૂતો તેમજ યુવાનો માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. ઔદ્યોગિક એકમોમાં રોજગારી મળે તે માટે ઇન્ફાસ્ટ્રક્ચરર ડેવલોપ કરવા સહિતની અનેક જાહેરાતો આ બજેટમાં કરવામાં આવી છે.
જો કે, હાલમાં જ કોંગ્રેસ દ્વારા બજેટમાં ખેડૂતો માટે ખેતી ઓઝારો, પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીની પ્રોડક્ટમાં GSTના દરમાં કોઈ ઘટાડો કરવામાં નહિ આવતા અને ડાયમંડ અને સોનાના GST ઘટાડા અંગે લેવાયેલ નિર્ણયોને કારણે નિરાશા જનક બજેટ હોવાની બુમરાણ ઉઠી છે. ત્યારે આ અંગે નાણાપ્રધાને જણાવ્યું હતું કે, GST સ્લેબમાં ફેરફાર કરવાનું GST કાઉન્સિલ નક્કી કરે છે. અને GST પેનલમાં તેના નિર્ણયો લેવામાં આવે છે.
નાણામંત્રાલયમાં માત્ર લોન માફ કરવાની સત્તા છે. જેનો ફાયદો ખેડૂતોને આપી દંડ અને વ્યાજની રકમમા ખેડૂતોને તેનો લાભ આપવામાં આવ્યો છે.
ઉદ્યોગોમાં MSME સેક્ટરને લોનની રકમમાં વધારો, બેન્ક ગેરેન્ટી સહિતની વિવિધ જાહેરાતો કરી તેમને બુસ્ટ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેનો ફાયદો વાપી જેવા અનેક ઔદ્યોગિક એકમોમાં થશે. તેવું જણાવનાર નાણાપ્રધાને બજેટમાં બિહાર અને આંધ્રપ્રદેશને આપેલી મોટી રકમની જાહેરાત સામે કોંગ્રેસે કરેલા વિરોધ બાદ નાણામંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કે અન્ય સ્થળો પર પુર રાહત જેવી જોગવાઈમાં NDRF અને SDRF દ્વારા નેશનલ ડિઝાસ્ટર ફંડમાં જોગવાઈ કરવામાં આવી છે. અને તે ફંડ ગુજરાતને મળે છે. ભૂતકાળમાં આ પ્રકારના ફંડ મળી પણ ચૂક્યા છે.
પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝની આશા હતી કે, તેમના માટે આ બજેટમાં વિશેષ જોગવાઈ કરવામાં આવે. તેમને રાહત આપી જાહેરાત કરવામાં આવે. જોકે, જીએસટીને લઈને રાહત મળે તેવી તેમની જે આશા હતી તે ઠગારી નીવડી છે. તે અંગે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, જીએસટીમાં જે દર છે. તે અંગે જીએસટી કાઉન્સિલ નક્કી કરે છે. આ અંગે આગામી દિવસોમાં ત્રણથી ચાર ટકા જીએસટી ઘટવાની શક્યતા અંગે વિચારણા પણ ચાલી રહી છે.