કચ્છ: ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પદાધિકારીઓએ અન્ય અધિકારીઓ સાથે તાજેતરમાં દિલ્હી ખાતે કંડલા ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટે અને ભુજ એરપોર્ટ ખાતેથી નવી ફ્લાઇટ ઓપરેશન સંદર્ભે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથે બેઠક યોજી હતી. જેમાં હકારાત્મક પ્રતિભાવ મળ્યા હોવાનું જાણવા મળ્યું છે.
AAI નવા એરપોર્ટનું નિર્માણ કરવા તૈયાર: ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસટ્રીઝ એસોશિએશનની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ એ.એ.આઈ.ના ચેરમેન સંજીવકુમાર (આઈ.એ.એસ.) સાથેની મુલાકાતમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે કંડલા એરપોર્ટનું હાલના સ્થાને વિસ્તરણ શક્ય નથી. કચ્છમાં જંગી ઔદ્યોગિક રોકાણને જોતાં, આગામી પચાસ વર્ષની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવાની જરૂર છે. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે જો દીનદયાલ પોર્ટ ઓથોરીટી અથવા રાજ્ય સરકાર દ્વારા જમીન આપવામાં આવે તો એ.એ.આઈ. નવા એરપોર્ટનું નિર્માણ કરવા માટે તૈયાર છે.
![ફોકિયાએ દિલ્હીમાં એએઆઈના અધ્યક્ષ સાથે બેઠક યોજી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/31-07-2024/gj-kutch-04-new-airport-photo-story-7209751_31072024191028_3107f_1722433228_81.jpg)
ગ્રીનફિલ્ડ એરપોર્ટ ખુબ જ જરૂરી: ફોકિઆના પદાધિકારીઓએ તેમને જણાવ્યું કે ડી.પી.એ.ના અધ્યક્ષ સુશીલકુમાર સિંઘે ટોકન લીઝ ભાડા પર જરૂરી જમીન આપવા તૈયારી દર્શાવી છે. સુશીલકુમાર સિંઘ તો એમ પણ માને છે કે કંડલા ખાતેના પોર્ટના વિકાસ માટે પણ ગ્રીનફિલ્ડ એરપોર્ટ ખુબ જ જરૂરી છે. ફોકિઆએ એ.એ.આઈ.ની ટેકનિકલ ટીમને પોર્ટ ઓથોરીટીની ટીમ દ્વારા પૂરી પાડવામાં આવેલ બે જમીન પાર્સલની શક્યતા તપાસવા સૂચન કર્યું હતું. એ.એ.આઈ.ની ટીમ આ વિકલ્પો પર કામ કરી રહી છે અને એક વિકલ્પ ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટે નક્કી કરશે.તે એક જમીન પર કામ કરી રહી છે જે ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટે વધુ શક્ય લાગે છે.
ભુજથી નવી ફ્લાઇટ શરૂ કરવા રજૂઆત: ફોકિઆએ એરપોર્ટ ઓથોરિટીના ચેરમેનને સારી એર કનેક્ટિવિટી માટે ભુજથી નવી ફ્લાઇટ ઓપરેશન શરૂ કરવા પણ જણાવ્યું હતું .બપોરે 2 થી રાત્રે 9 વચ્ચે કામગીરીને સક્ષમ કરવા માટે ભુજ એરપોર્ટને એરપોર્ટ ઓથોરિટી અને CISFના વધુ સ્ટાફની જરૂર છે. ચેરમેને જણાવ્યું કે તેમની જાણકારી મુજબ, કોઈ એરલાઈન્સે નવી કામગીરી માટે અમારો સંપર્ક કર્યો નથી.આ તબક્કે ફોકિઆએ તેમાં સુધારો કર્યો કે ઈન્ડિગો નવી કામગીરી શરૂ કરવા માંગે છે અને તેણે એરપોર્ટ પર એર સ્ટ્રીપને સંબંધિત ફેરફારો માટે એરપોર્ટ ઓથોરિટીને વિનંતી કરી છે.
![ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/31-07-2024/gj-kutch-04-new-airport-photo-story-7209751_31072024191028_3107f_1722433228_1101.jpg)
વધુ CISF સ્ટાફ તૈનાત કરવાની જરૂર: એરપોર્ટ ઓથોરિટી પહેલાથી જ તેના માટે સંમતિ આપી ચૂક્યું છે તેથી એરપોર્ટ ઓથોરિટી અને CISFના વધુ સ્ટાફની તૈનાતી તેમને આગામી છ મહિનામાં નવી ફ્લાઇટ્સ શરૂ કરવામાં સક્ષમ બનાવશે.ઉપરોક્ત મહત્વના વિષયો માટે વડાપ્રધાન, રાજ્યપ્રધાન, શિપિંગપ્રધાન, નાગરિક ઉદયન પ્રધાન અને ભારત સરકાર અને કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાને પણ રજૂઆત કરવામાં આવી છે. આ બેઠકમાં ફોકિઆ વતીથી એમ.ડી. નિમિષ ફડકે, ભાવેન ઠકકર અને અરૂણેશ ચતુર્વેદી વગેરે જોડાયા હતા.
બે વર્ષમાં ચાર્ટર પ્લેન બમણાં આવ્યા: ફોકિઆએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં ચાર્ટર પ્લેનની કામગીરી બમણી થઈ છે અને આ માટે કંડલા અને ભુજ ખાતે વધુ એરપોર્ટ ઓથોરિટી અને CISF સ્ટાફની પણ જરૂર છે. ફોકિઆએ ઔદ્યોગિક, બાગાયત, કૃષિ અને હસ્તકલા સેગમેન્ટની જરૂરિયાત અને સંપૂર્ણ મલ્ટિમોડલ લોજિસ્ટિક્સ ચેઇનને પૂર્ણ કરવા માટે ભુજ એરપોર્ટથી કાર્ગો સેવા શરૂ કરવા રજૂઆત કરી હતી.
![નવું કંડલા એરપોર્ટ બનાવશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/31-07-2024/gj-kutch-04-new-airport-photo-story-7209751_31072024191028_3107f_1722433228_73.jpg)
ભુજથી એર કાર્ગો સેવા શરૂ કરવા ચર્ચા: આ સાથે કાર્ગો ટર્મિનલ બનાવવામાં આવે તો દર વર્ષે રૂ. 1.5 કરોડના મૂલ્યના કાર્ગોની મુવમેન્ટ માટે ફોકિઆ ગેરંટી આપતું હોય તો કારગો ટર્મિનલ માટે ચેરમેને તૈયારી દર્શાવી હતી. ફોકિઆએ આ માટેની ખાતરી આપવા સંમતિ આપી હતી. ચેરમેનના સૂચન પર ફોકિઆએ એરપોર્ટ ઓથોરિટી કાર્ગો લોજિસ્ટિક્સ એન્ડ એલાઇડ સર્વિસ લિમિટેડના સી.ઈ.ઓ અજય કુમાર સાથે ભુજથી એર કાર્ગો સેવાઓ શરૂ કરવા અંગેની ચર્ચા માટે બેઠક પણ કરી હતી.
કાર્ગો હેન્ડલિંગ ડેટા પર દેખરેખ રાખવા સૂચનો: ભુજ એરપોર્ટને વર્તમાન એર ઈન્ડિયા ફ્લાઈટમાં કાર્ગો હેન્ડલ કરવાની પરવાનગી આપવામાં આવી છે. કાર્ગો હેન્ડલિંગ માટે એરલાઇન્સ દ્વારા અલાયદો સ્ટાફ ન હોવાને કારણે કામગીરી નહોતી થઇ શકતી. હવે એરલાઇન્સ સ્ટાફને તૈનાત કરી રહી છે, જે આગામી મહિના અથવા તે પહેલાં કામગીરીને સક્ષમ કરશે. તેમણે બાર મહિના સુધી કાર્ગો હેન્ડલિંગ ડેટા પર દેખરેખ રાખવા અને તેના આધારે કાર્ગો ટર્મિનલ માટે આગળ વધવાનું સૂચન કર્યું હતું.
નવા વિમાનો આવશે, નવી સેવા મળશે: ફોકિઆએ કંડલા અને ભુજથી વધુ ફ્લાઇટ ઓપરેશન્સ શરૂ કરવા માટે નાગરિક ઉડ્ડયનના ડિરેક્ટર સંખેશ મહેતા સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે એરલાઇન્સના અધિકારીઓ સાથે વાત કરી અને મૂલ્યાંકન કર્યું કે એરક્રાફ્ટની અછત એ મુખ્ય અવરોધ છે, આગામી છ-બાર મહિનામાં વધુ એરક્રાફ્ટની ઉપલબ્ધતા શક્ય બનશે અને આનાથી એરલાઇન્સ ભુજ/કંડલાથી વધુ કામગીરી શરૂ કરી શકશે. જો જરૂરી હોય તો, ફોકિઆએ યોગ્ય સ્લોટ ફાળવવા માટે GMR એરપોર્ટ ઓપરેટર, દિલ્હી અને અદાણી, મુંબઈ એરપોર્ટ ઓપરેટર સમક્ષ એરલાઇન્સ સાથે રહીને ચર્ચા કરાવી જોઈએ.