સુરત: સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મોતા ગામ ખાતે પાવરગ્રીડના અધિકારીઓ પોલીસને સાથે લઈને બળપ્રયોગ કરી બળજબરીથી 765 KW ખાવડા-નવસારી વીજ ટ્રાન્સમિશન લાઈનનું કામકાજ હાથ ધરનાર છે. એવી માહિતી ખેડૂતોમાં વાયુવેગે પ્રસરી જતા આજુબાજુના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ ખેડૂત સમાજના આગેવાનો રમેશભાઈ પટેલ(ઓરમા) અને પરિમલ પટેલ મોતા ગામ ખાતે ધસી આવ્યા હતા.
ખેડૂતોએ વીજ લાઈનનો વિરોધ કર્યો: ખેડૂતો આ લાઈનનો છેલ્લા ઘણા મહિનાઓથી વિરોધ કરી રહ્યા છે. સ્થળ પર હાજર પોલીસ ઇન્સ્પેક્ટરને ખેડૂતોએ ચોખ્ખા શબ્દોમાં જણાવ્યું હતું કે,'હાલના કાયદાઓ હેઠળ આ લાઈન અમે કોઈ પણ સંજોગોમાં અમારા ખેતરોમાંથી પસાર થવા દઈશું નહિ. જે કાયદો ટેલિફોનના થાંભલાઓ ઉભા કરવા માટે 1885માં અંગ્રેજોએ બનાવ્યો હતો. એનો આજે દુરુપયોગ થઇ રહ્યો હોવાની વાત લોકોને હેરાન કરી રહી છે.'
ખેડૂતોને ધમકાવવાની સત્તા પાવરગ્રીડને કોણે આપી?: ખેડૂતોનું કહેવું હતું કે, 'જીવ આપી દઈશું પણ વડવાઓ દ્વારા સચવાયેલી અમારી મહામૂલી જમીન એ અમારા સંતાનોનું ભવિષ્ય છે, એ અમે પાણીના ભાવે બિલકુલ નહિ આપીયે. ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલે સવાલો કર્યા હતા કે ત્રણ મહિના અગાઉ જયારે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દ્વારા કોઈ સુનાવણી થઇ ન હતી. તો પાવરગ્રીડ સાથે પોલીસ કઈ રીતે વિરપોર ગામ ખાતે હાજર હતી? સ્થળ પર ખેડૂતોના વિરોધ છતાં બળપ્રયોગ કઈ રીતે કરવામાં આવ્યો? ખેડૂતોને ધમકાવવાની આ ગેરકાયદેસરની સત્તા પાવરગ્રીડને કોણે આપી? જે ખેડૂતને પાવરગ્રીડ દ્વારા નોટિસ શુધ્ધા નથી અપાઈ એના ખેતરોમાં ટાવરોનું કામ કઇ રીતે ચાલુ કરવામાં આવ્યું?'
ખેડૂતોએ અરજી કરી: સ્થળ પર હાજર પી.આઈ. એ ખેડૂતોને આસ્વસ્થ કર્યા હતા કે.'જ્યાં સુધી ખેડૂતો સંમતિ નહિ આપે ત્યાં સુધી પોલીસ કોઈ કાર્યવાહી કરશે નહિ અને બળપ્રયોગ પણ કરવામાં નહિ આવે. એમનું કહેવું હતું કે પાવરગ્રીડ પોલીસ પ્રોટેકશન મેળવી લે એનો મતલબ એ નથી કે ખેડૂતો પર બળપ્રયોગ કરવો. આ સાંભળી ખેડૂતો થોડા શાંત થયાં હતા. પરંતુ ખેડૂતોએ પોતે પણ પાવરગ્રીડની અરાજકતા સામે રક્ષણ મેળવવા અને પોતાના ખેતરોમાં ઉભા પાકને નષ્ટ થતો અટકાવવા માટે પોલીસ રક્ષણ મેળવવા અરજી કરવાનું નક્કી કરી ડી. વાય. એસ. પી. બારડોલીને પોતાની અરજી આપી હતી.'
આ પણ વાંચો: