દિલ્હીઃ આજે દિલ્હીમાં બનાસકાંઠાના ખેડૂતોએ ખેડૂત આગેવાન રાકેશ ટિકેતની મુલાકાત લીધી હતી. ખેડૂતોએ પોતાની વિવિધ સમસ્યાઓ રાકેશ ટિકેત સમક્ષ વર્ણવી હતી. છેલ્લા ઘણા સમયથી સરકાર ખેડૂતોના પ્રશ્નો સાંભળતી ના હોવાની રજૂઆત કરી હતી. રાકેશ ટિકેત દરેક સમસ્યા સાંભળી તેના નિવારણ માટેની હૈયાધારણ ખેડૂતોને આપી હતી. રાકેશ ટિકેતે કહ્યું કે, ખેડૂતોને દબાવવાનું કામ ન કરો નહિતર ગુજરાતમાં મોટુ આંદોલન થશે.
બાયપાસ મુદ્દે ચર્ચા: પાલનપુર ફરતે બનનારા બાયપાસ અંગે ખેડૂતોએ ખેડૂત આગેવાન રાકેશ ટિકેત ચર્ચા કરી હતી. જેમાં ખેડૂતોએ કહ્યું કે, પાલનપુર આસપાસ બનનારા બાયપાસમાં ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી છે. જેમાં ખેડૂતોને યોગ્ય વળતર મળ્યું નથી. સાથે જ નાના ખેડૂતોની જમીન બાયપાસમાં સંપૂર્ણ કપાઈ જતા તેઓ જમીનના વિહોણા બની જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ખેડૂતો જમીન વિહોણા ના બને તે માટે સરકાર કોઈ યોગ્ય વિકલ્પ શોધીને ખેડૂતોની માંગ સ્વીકારે તે વિશે પણ ચર્ચા કરાઈ હતી.
ખેડૂતોની હેરાનગતિની રજૂઆત: સુજલામ સુફલામ કેનાલમાં નિયમિત પાણી સિંચાઈ માટે મળી રહે તે વિષય પર પણ ખેડૂતોએ રાકેશ ટિકેતને રજૂઆત કરી હતી. ઓએનજીસીની પાઈપલાઈન માટે જેટકો દ્વારા ખેડૂતોને હેરાનગતિ કરાતી હોવાનો આક્ષેપ પણ જાહેર કરાયો હતો.
રાકેશ ટિકેતની ગુજરાત મુલાકાતઃ બનાસકાંઠાથી દિલ્હી ખાતે ખેડૂત આગેવાન રાકેશ ટિકેતને મળવા પહોંચેલા ખેડૂતોની તમામ વાતો અને મુદ્દાઓને સાંભળ્યા બાદ ટિકેતે ખેડૂતોને તેમના પ્રાણ પ્રશ્નો અંગે રજૂઆત કરવા સાથે આગામી દિવસોમાં ગુજરાતમાં આવવાનું આશ્વાસન આપ્યું હતું. ખેડૂતોને યોગ્ય વળતર મળ્યું નથી, મોંઘા ભાવની જમીનો ખુબજ નીચા ભાવે સંપાદન કરવામાં આવી રહી છે. ખેડૂતોને જમીનનો યોગ્ય ભાવ નથી મળતો. શું આ ખેડૂતોની જમીન હડપવાનું ષડયંત્ર તો નથી? તેવો સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, ખડૂતોને દબાવવાનુ કામ ના કરો નહિતર ગુજરાતમાં મોટું આંદોલન થશે.