અમદાવાદઃ વધુ આવક હોવા છતાં જે વાલીઓએ ઓછી આવક દર્શાવી આરટીઇ હેઠળ પ્રવેશ મેળવેલો છે અથવા બાદમાં આવક વધેલી હોય અને જાણ ન કરેલી હોય તેવી અમદાવાદ શહેરની કુલ 7 શાળાઓમાંથી 150 જેટલી ફરિયાદો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આવેલી છે. વિભાગને મળેલી ફરિયાદો બાદ વિભાગને શંકા છે કે ઘણા વાલીઓની આવક અઢળક હોવા છતા તેઓ આરટીઈનો ફાયદો લઈ રહ્યા છે. જોકે તે બાબતની શંકાને દુર કરવા સત્ય શું છે તે જાણવા માટે વિભાગ દ્વારા વિવિધ શાળાઓની મળેલી ફરિયાદો આધારે હિયરિંગ શરૂ કરી સત્યની નજીક પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
વાલી મંડળ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને કરાઈ રજૂઆત
આજરોજ ગુજરાત વાલી એકતા મંડળ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ સંદર્ભે ગુજરાત વાલી એકતા મંડળના પ્રમુખ ગણપત કલાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમે આ અગાઉ પણ DEO ને રજૂઆત કરી હતી કે શાળા તરફથી એવું કહેવામાં આવે છે કે આરટીઇના નિયમ કરતા તમારી આવક વધી ગઈ છે. ત્યારે DEO રોહિત ચૌધરી દ્વારા કહેવામાં આવ્યું હતું કે માર્ચ 2025 સુધી વિદ્યાર્થીઓ વિનામૂલ્ય ભણી શકશે પરંતુ શાળા દ્વારા ફરી ફી ભરવા અથવા એડમિશન રદ કરવા અંગે નોટિસ આપવામાં આવી છે. ફરી અમે DEO ને રજૂઆત કરી છે અને તેમના દ્વારા ફરી આશ્વાસન આપવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ માર્ચ 2025 સુધી આરટીઇ હેઠળ ભણી શકશે.
સરકારને રજૂઆત કરીશું; RTE માં આવક મર્યાદા 2.5 લાખ થવી જોઈએ
વધુમાં ગણપતભાઈ જણાવ્યું હતું કે, અમે સરકારને પણ રજૂઆત કરીશું કે 1.5 લાખની આવક 2025 -26 સુધીમાં 2.5 લાખની થવી જોઈએ જે લોકો અમીર છે, જેમની ઘરે ગાડીઓ છે. તેઓના કારણે અમને ગરીબ માણસને પકડવામાં આવે છે.
વાલીઓ નીશકાળજી રાખે છે: જિલ્લા શિક્ષણ અધિકારી
અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, આરટીઇમાં પ્રવેશ મેળવ્યા સમયે એક શરત આપવામાં આવે છે કે, જો વાલીની આવક 1.5 લાખ થી વધુ થાય તો આરટીમાંથી પ્રવેશ રદ કરાવવાનો રહેશે. વાલી જાતે પોતાની રીતે આરટીઇમાંથી પ્રવેશ રદ કરાવવા અંગેની અરજી આપી શકે છે. તેમાં ઘણી વખત એવું બને છે કે, ચાલુ અભ્યાસ દરમિયાન વાલીને નવી નોકરી કે, વધુ આવક ધરાવતો ધંધો મળે તો તેઓએ તાત્કાલિક આરટીઇમાંથી પ્રવેશ રદ કરાવવાનો હોય છે. પરંતુ ઘણા બધા વાલીઓ આ બાબતે નીશકાળજી રાખે છે અને શાળા દ્વારા ઇન્કમટેક્સ વગેરેના પુરાવા દરખાસ્ત સ્વરૂપે અહીં રજૂ કરવામાં આવે છે.
7 સ્કૂલમાંથી 150 દરખાસ્તો આવી છે, તબક્કાવાર હિયરિંગ શરૂ કરાઇ
અત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં કુલ સાત જેટલી શાળાઓમાંથી આ પ્રકારની દરખાસ્ત આવેલી છે. જેમાં 150 થી વધુ આ પ્રકારની વાલીઓની આવક વધારે હોવાની દરખાસ્તો આવેલી છે. જેની તબક્કાવાર હીયરિંગ રાખી છે. શહેરની ઉદગમ સ્કૂલ (Udgam School), કે.એન. પટેલ સ્કૂલ (K. N. Patel School), આર.પી. વસાણી સ્કૂલ (RP Vasani School), કેલોરેક્સ સ્કૂલ (Kalorex School), જી.આઇ.આઇ.એસ. સ્કૂલ (GIIS School)સહિત કુલ 7 ના હિયરિંગ તબક્કા વાર હાલ થઈ રહ્યા છે.
વધુમાં રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે માર્ચ 2025 સુધી વિદ્યાર્થીઓને વિના મૂલ્યે ભણવા દેવામાં આવશે, પરંતુ હિયરિંગ દરમિયાન વધુ આવક ધરાવતા જે વાલી ધ્યાને આવશે તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી કરવામાં આવશે.