ભાવનગર: રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનાએ સમગ્ર દેશ અને રાજ્યને હચમચાવી દિધું છે. ત્યારે લોકોની સલામતી માટે સરકારી કચેરીઓ અને જાહેર સ્થળો પર ફાયર સેફ્ટીનું કેટલું ધ્યાન રાખવામાં આવે છે ? આ પ્રશ્ને સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટીને પગલે તંત્ર અને સરકારને દોડતી કરી છે. પરંતુ જ્યારે બનાવ બને ત્યારે જ તંત્ર જાગે છે. ત્યારે ભાવનગરમાં ફાયરના સાધનો વિશે ETV BHARATએ રિયાલિટી ચેક કર્યું હતું. જેમાં ફાયરના સાધનોને લઈને સવાલ ઉભા થતા હતા.
સરકારી બિલ્ડિંગમાં રિયાલિટી ચેક: ભાવનગર ફાયર વિભાગ દ્વારા જાહેર કે ખાનગી જગ્યાઓમાં ફાયરના સાધનો ન હોય ત્યા સીલ મારવા લાગ્યું છે. પરંતુ સરકારી કચેરીનું શું ? ETV BHARATએ ભાવનગરના સૌથી વધુ કર્મચારી જે બિલ્ડિંગમાં બેસે છે તેવા બહુમાળી ભવનમાં રિયાલિટી ચેક કર્યું હતું. ત્રણ માળના બહુમાળી ભવનમાં ચારે તરફ લોબી અને કચેરીઓ આવેલી છે. એક લોબીમાં માત્ર બે અગ્નિશામક બોટલ મુકવામાં આવી છે ક્યાંય પાઇપ લગાવવામાં આવ્યા નથી ઉપરાંત સ્મોક ડિટેક્ટર પણ નહોતા જોવા મળ્યા.
ફાયર વિભાગે કેટલા સીલ માર્યા: રાજકોટમાં બનેલા અગ્નિ બનાવ બાદ ભાવનગરમાં ફાયર વિભાગ સફાળું જાગી ગયું હતું. શહેરમાં આવેલા 6 ઇન્ડોર અને 1 આઉટડોર ગેમઝોન પૈકી 3 ગેમ ઝોનને સાધનોના અભાવને પગલે સીલ કરવામાં આવ્યા હતા અને બીજા દિવસથી હોટલો, રેસ્ટોરન્ટોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આમ છેલ્લા 3 દિવસમાં 8 જેટલા સીલ મારવામાં આવ્યા છે. જો કે, સરકારી બિલ્ડીંગોને નોટીસ આપવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
અગ્નિશામકો નીતિનિયમ મુજબ રાખવાના હોય: ફાયર વિભાગના ચીફ ઓફિસર પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ફાયરના સાધનો રાખવા માટે જે કન્ટ્રક્શન થયું હોય તેના નીતિ નિયમ મુજબ સાધનો રાખવાના હોય છે. સ્મોક ડિટેક્ટર 10 મીટર ઉપરનું બાંધકામ હોય તો રાખવાના હોય છે. આમ જોવા જઈએ તો સરકારી કેટલીક બિલ્ડીંગો છે કે, જેની ઊંચાઈ 10 મીટર ઉપર જતી હોવા છતાં પણ સ્મોક ડિટેક્ટર જોવા મળતા નથી. જેમાં મહાનગરપાલિકાની પોતાની જ કચેરીનો સમાવેશ થઈ જાય છે.