જૂનાગઢ : ચૂંટણી પંચ દ્વારા આજે લોકસભાની સામાન્ય ચૂંટણી સાથે ચાર રાજ્યોની વિધાનસભા અને અન્ય રાજ્યોમાં ખાલી પડેલી વિધાનસભાની બેઠકો પર પેટા ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે. જે અંતર્ગત ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન હાથ ધરાશે. ઉપરાંત 4 જૂનના રોજ લોકસભાની સાથે વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવશે.
લોકસભા ચૂંટણી કાર્યક્રમ : ચૂંટણીપંચ દ્વારા આજે જાહેર કરાયેલા કાર્યક્રમમાં ગુજરાતની છ વિધાનસભા બેઠકો પૈકી જૂનાગઢ જિલ્લાની માણાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. પરંતુ વિસાવદર બેઠક પર ચૂંટણી જાહેરાત કરવામાં આવી નથી. સમગ્ર દેશમાં 4 જૂને મતગણતરી થશે. ત્યારે જૂનાગઢ લોકસભા અને માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી પણ જૂનાગઢ લોકસભાની જૂનાગઢ અને માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી પોરબંદર ખાતે હાથ ધરવામાં આવશે.
વિધાનસભા પેટા ચૂંટણી કાર્યક્રમ : ચૂંટણીપંચ દ્વારા આજે વિગતવાર મતદાન અને મતગણતરીની સાથે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. બની શકે કોઈ શરત ચૂકથી ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં કોઈ ભૂલ થઈ હશે. પરંતુ જે રીતે ચૂંટણી પંચ દ્વારા સમગ્ર કાર્યક્રમ જાહેર કરાયો છે તે મુજબ જૂનાગઢ લોકસભાની સાથે 7 મેના રોજ ખાલી પડેલી માણાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું મતદાન પણ યોજાશે.
જૂનાગઢની ખાલી વિધાનસભા બેઠક : ખાલી પડેલી છ વિધાનસભા બેઠકો પૈકી સૌ પ્રથમ AAP ધારાસભ્ય ભુપત ભાયાણીએ રાજીનામું આપીને વિસાવદર બેઠક ખાલી કરી હતી. જેની પેટા ચૂંટણીનો કોઈ કાર્યક્રમ જાહેર થયો નથી. થોડા જ દિવસ પૂર્વે માણાવદર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ રાજીનામું આપ્યું હતું, તેની પેટા ચૂંટણી કાર્યક્રમ જાહેર થયો છે. ચૂંટણી પંચ દ્વારા વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીને લઈને કોઈ અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી ક્યારે યોજાશે તે કહેવું અત્યારે ખૂબ જ મુશ્કેલ છે.