કચ્છઃ ઉપયોગમાં લીધા બાદ ખાઈ શકાય તેવી ચમચીના સમાચાર બાદ હવે ખાઈ શકાય તેવી એડિબલ ડિશ બનાવવામાં આવી છે. કચ્છ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્રની વિધાર્થિનીઓ દ્વારા નવું સંશોધન કરવામાં આવ્યું છે. જેમાં પોલિમરના કોટિંગને બદલ મકાઈના કોટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શરીરને ઉપયોગી થાય તેવી કુદરતી રીતે ઉગતી વનસ્પતિઓના એક્સટ્રેક્ટના ઉપયોગથી ખાસ પ્રકારનું કોટિંગ તૈયાર કરવામાં આવ્યું છે. અત્યારે આ ડિશની મજબૂતાઈ વધે તેવા પ્રયોગો હાથ ધરવામાં આવી રહ્યા છે.
મકાઈનું કોટિંગઃ કચ્છ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્રના ડો. વિજય રામ , બીજલ શુક્લ અને ડો. ગિરિન બક્ષીના માર્ગદર્શન હેઠળ રાજવી પરમાર અને યશ્વી સચદે નામક વિદ્યાર્થીનીઓએ એડિબલ ડિશ બનાવી છે. માર્કેટમાં મળતી પેપર ડિશમાં પોલિમર મટીરીયલનું કોટીંગ કરવામાં આવતું હોય છે. તેનું રિપ્લેસમેન્ટ મકાઈના કોટિંગ દ્વારા કરવામાં આવ્યું છે. આ એડિબલ ડિશ વૉટરપ્રૂફ અને ઓઈલપ્રૂફ છે. ઉપયોગમાં લીધા બાદ આ ડિશને ખાઈ શકાય છે.
ગ્લોબલ વોર્મિંગઃ આ વિધાર્થિનીઓ દ્વારા પર્યાવરણને નુકસાન ન કરે તે માટે એક નવા જ વિચાર સાથે ખુબ જ ઉપયોગી સંશોધન કરવામાં આવ્યું છે. 1880થી અત્યાર સુધીમાં 2023ને સૌથી વધુ ગરમ વર્ષ તરીકે તાજેતરમાં જ જાહેર કરવામાં આવ્યું છે. ગ્લોબલ વોર્મિંગની ખુબ જ ખરાબ અસરો પર્યાવરણમાં જોવા મળી રહી છે. હાલમાં ઉપયોગમાં લેવાતી પેપર ડિશને વપરાશ બાદ ફેંકી દેવામાં આવે છે. જે પર્યાવરણ માટે હાનિકારક છે. આ ઉપરાંત અન્ય પ્લાસ્ટિક વેસ્ટ, કેમિકલ્સ, પેસ્ટિસાઇડ્સ, પોલિમર્સ, વાહનોના ધુમાડા વગેરે ને કારણે પર્યાવરણ પ્રદુષિત થતું હોય છે. જેને કારણે ગ્લોબલ વોર્મિંગ જેવી અસરો જોવા મળે છે. તેથી પોલિમર કોટીંગ વાળી પેપર ડિશની જગ્યાએ તેના રિપ્લેસમેન્ટ તરીકે એડિબલ ડિશ વાપરવી હિતાવહ છે.
વિદ્યાર્થીનીઓ દ્વારા એક વોટરપ્રૂફ અને ઓઈલપ્રૂફ ડિશ બનાવવામાં આવી છે. તેના પર નેચલર એક્સટ્રેક્ટનું કોટિંગ કરવામાં આવ્યું છે. આ કોટિંગ શરીરને ઉપયોગી થાય તેવી કુદરતી વનસ્પતિઓના એક્સટ્રેક્ટમાંથી બનાવવામાં આવ્યું છે. મકાઈના લોટમાં આશરે ક્રૂડ પ્રોટીન (6.93-14.00%), કાર્બો હાયડ્રેટ (63.75-75.64%), ક્રૂડ ફેટ (6.95-11.11%) અને ક્રૂડ ફાઈબર (0.51-0.87%) કન્ટેન્ટ હોય છે જે શરીર માટે ખુબ જ ઉપયોગી છે. તેથી આ ડિશનો ઉપયોગ કર્યા બાદ તેને ખાઈ શકાય છે...ડૉ. વિજય રામ(પ્રોફેસર, કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ, કચ્છ યુનિવર્સિટી)
ડિશના આગામી ફ્લેવર્સઃ આગામી સમયમાં વિદ્યાર્થીનીઓ જરૂરિયાત મુજબ વિવિધ સ્વાદની ખાદ્ય વાનગીના ફ્લેવર્સ વાળી ડિશ પણ તૈયાર કરવાની છે. જેમાં હર્બલ ડિશ, ડેન્ગ્યૂ માટે પપૈયાના અર્કની ડિશ, ખાંસી માટે અરડુસીના અર્કની ડિશ, ડ્રેગન ફ્રૂટના અર્કની ડિશ વગેરે જેવી ફ્લેવર્ડ એડિબલ ડિશીસ બનાવી શકાય છે. કંપનીઓ દ્વારા જો ખૂબ મોટા પાયે સંપૂર્ણ પણે બાયો ડીગ્રરેડેબલ ડીશ બનાવવામાં આવે તો પર્યાવરણને ખૂબ ફાયદો થઈ શકે તેમ છે. અત્યારે આ ડિશના મજબૂતાઈ માટે પ્રયોગ ચાલી રહ્યા છે. આ સંશોધન બદલ વિદ્યાર્થીનીઓને કચ્છ યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ ડો. બકારાણીયા અને કુલસચિવ શરૂ ડો બૂટાણી દ્વારા અભિનંદન આપવામાં આવ્યા છે.