જુનાગઢ: ઇકોઝોનની વિરુદ્ધમાં હવે દિવસેને દિવસે ખેડૂતોનો વિરોધ વ્યાપક બનતો જાય છે. આજે જુનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે મેંદરડા માળીયા અને વિસાવદર તાલુકાના ખેડૂતોનું એક સંમેલન યોજાયું હતું. જેમાં ભારતીય કિસાન સંઘના પદાધિકારીઓની સાથે અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂતોએ ઉપસ્થિત રહીને કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલું ઇકોઝોનનો કાયદો સંપૂર્ણપણે પરત ખેંચવાની માંગ કરી છે. વધુમાં દિવાળીના તહેવારો દરમિયાન ઇકોઝોનના પૂતળાનું દહન કરીને પણ કેન્દ્ર સરકારે પારિત કરેલા કાયદાનો વિરોધ કરવાનો સર્વાનુંમતે ઠરાવ કરાયો છે.
ઇકોઝોનના વિરુદ્ધમાં ખેડૂત સંમેલન
કેન્દ્ર સરકારે 19 સપ્ટેમ્બરના દિવસે નવા ઇકો સેન્સેટિવ ઝોનનું નોટિફિકેશન જાહેર કરતા જ ગીર વિસ્તારના જુનાગઢ સોમનાથ અને અમરેલી જિલ્લાના 196 જેટલા ગામોમાં વિરોધ શરૂ થયો છે, પાછલા કેટલાક દિવસોથી તાલુકા સ્તરે અને ગ્રામ્ય કક્ષાએ ખેડૂતો ગામ લોકો અને અસરગ્રસ્ત વિસ્તારના લોકો સરકારના નવા ગેજેટની વિરુદ્ધમાં આંદોલન અને નાની-નાની બેઠકો કરીને કેન્દ્ર સરકારે નવા ઇકોસેન્સીટી ઝોનની અમલવારીને મોકૂફ રાખે તે માટે સતત આંદોલન ચલાવી રહ્યા છે. જેમાં ભારતીય કિસાન સંઘની સાથે ભાજપ કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોના અગ્રણીઓ ભારતીય કિસાન સંઘ અને સામાન્ય લોકો કે જેઓ ઇકો સેન્સેટીવ ઝોન અસરગ્રસ્ત વિસ્તારમાં આવે છે તે તમામ વિરોધ કરી રહ્યા છે.
મેંદરડા સંમેલનમાં કરાયો ઠરાવ
જુનાગઢ જિલ્લાના મેંદરડામાં આજે મેંદરડા વિસાવદર અને માળીયા તાલુકાના ખેડૂતોનું એક સંમેલન યોજાયું હતું. જેમાં ભારતીય કિસાન સંઘની સાથે તાલુકા કક્ષાના રાજકીય નેતાઓ પણ જોડાયા હતા અને સમગ્ર મામલામાં ઇકો સેન્સેટિવ ઝોન સંપૂર્ણપણે દૂર કરવામાં આવે તેવી માંગ સાથેનો એક ઠરાવ પણ કરવામાં આવ્યો છે. વધુમાં દિવાળીના તહેવારો દરમિયાન અસરગ્રસ્ત 196 જેટલા ગામોમાં ઈકોઝોનના પૂતળાનું દહન કરીને પણ ખેડૂતો અને ગામ લોકો ઇકોઝોનના કાયદાનો વિરોધ કરીને પણ દિવાળીનો તહેવાર મનાવશે તેવો ઠરાવ કરવામાં આવ્યો છે.
ઇકોના ચેરમેન દિલીપ સંઘાણીનું સમર્થન
આજે મેંદરડા ખાતે ખેડૂત સંમેલન યોજાયું હતું. જેમાં ભારતીય કિસાન સંઘના પ્રદેશ મંત્રી મનસુખભાઈ પટોડીયાએ પૂર્વ કૃષિ પ્રધાન અને વર્તમાન સમયમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી દ્વારા જે ઇકોઝનની વિરુદ્ધમાં આગામી દિવસોમાં સંમેલન આયોજિત થનાર છે. તે સંમેલનમાં પણ ભારતીય કિસાન સંઘ અસરગ્રસ્ત ગામોના ખેડૂતો ગામ લોકો અને વર્તમાન ઇકોના ચેરમેન દિલીપ સંઘાણી પણ ઉપસ્થિત રહેશે તેને લઈને પણ આગામી દિવસોમાં લડતને કઈ રીતે મજબૂત કરી શકાય તે માટેની રણનીતિ પણ આજના સંમેલનમાં બનાવવામાં આવી હતી. ગઈકાલે જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ ઈકોઝોનના વિરુદ્ધમાં ઓનલાઇન વાંધા રજૂ કરવાનો જે પ્રસ્તાવ મૂક્યો હતો. તેને ભારતીય કિસાન સંઘે પણ ટેકો આપ્યો છે. એટલે આગામી દિવસોમાં ઈકોઝોન વિરુદ્ધની લડાઈ ડિજિટલ માધ્યમની સાથે નાની નાની ખાટલા બેઠક ખેડૂત સંમેલન અને ગામ લોકોમાં જાગૃતિ આવે તે માટે સ્થાનિક સ્તરે લોકોને ઈકોઝોનની અમલવારી બાદ થનાર મુશ્કેલી અંગે સમજૂતી આપવાનું પણ આ બેઠકમાં ઠરાવવામાં આવ્યું હતું.