ગીર સોમનાથ : ગણેશ ચતુર્થી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આવા સમયે પ્રકૃતિનું રક્ષણ થાય, ઘરમાં સકારાત્મક ઉર્જાના સંચયની સાથે રેડીએશનમાંથી મુક્તિ મળે તે માટે ખાસ ગાયના ગોબરમાંથી બનાવવામાં આવેલી ગણપતિની ઇકોફ્રેન્ડલી પ્રતિમાનું ચલણ વધી રહ્યું છે.
ગણપતિની ઇકોફ્રેન્ડલી પ્રતિમા : ગોબરમાંથી બનેલી આ પ્રતિમાની પડતર કિંમત અન્ય રસાયણોમાંથી બનેલી મૂર્તિ કરતા મોંઘી છે, પરંતુ તે પ્રાકૃતિક ઈકોફ્રેન્ડલી હોવાને સાથે પરિવારને રેડીએશનથી મુક્ત રાખે છે. તે માટે પણ ગોબરમાંથી બનેલ ગણપતિની મૂર્તિનું ચલણ ધીમે ધીમે વધી રહ્યું છે.
ગાયના ગોબરમાંથી નિર્મિત બાપ્પા : આજના સમયમાં પ્લાસ્ટર ઓફ પેરિસ કે અન્ય રસાયણમાંથી બનતી ગણપતિની પ્રતિમાનું ચલણમાં વધુ જોવા મળે છે. ગણપતિજીના વિસર્જન બાદ આ પ્રતિમા પાણીના પ્રદૂષણને વધારે છે. સાથે સાથે તે રસાયણમાંથી બનેલી હોવાને કારણે જળચર જીવોને પણ ખૂબ નુકસાન કરે છે. તેની સામે પ્રકૃતિનું રક્ષણ કરતી અને જળચર જીવ માટે વિસર્જન બાદ ખોરાકનું એક માધ્યમ બનતી ઇકો ફ્રેન્ડલી ગાયના ગોબરમાંથી બનતી ગણપતિની પ્રતિમા બજારમાં જોવા મળી રહી છે.
ઇકોફ્રેન્ડલી પ્રતિમાના ફાયદા : ગાયના ગોબરમાંથી બનતી ગણપતિની ઇકોફ્રેન્ડલી પ્રતિમા રસાયણો અને રસાયણ યુક્ત માટીમાંથી બનતી પ્રતિમા કરતા મોંઘી જોવા મળે છે. પરંતુ તેનો આરોગ્ય અને પર્યાવરણની દૃષ્ટિએ ખૂબ મોટો ફાયદો પણ જોવા મળે છે. ઘરમાં ગાયના ગોબરમાંથી બનેલી પ્રતિમાનું સ્થાપન કરવાથી તે સમગ્ર પરિવારને રેડીએશન જેવા ભયાનક ખતરાથી મુક્ત રાખે છે.
ગાયના ગોબરનું મહત્વ : સનાતન ધર્મની પરંપરા અનુસાર ગાયના ગોબરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. જેથી ગોબરમાંથી બનેલી પ્રતિમા પરિવારને રેડીએશનથી મુક્ત રાખવાની સાથે પ્રત્યેક ઘરમાં માતા લક્ષ્મીનું સ્થાપન કરે છે. તેથી પણ આ ગાયના ગોબરમાંથી બનેલી ગણપતિની પ્રતિમા વિશેષ મહત્વ ધરાવે છે, તેનું આગમન સમગ્ર સોમનાથ જિલ્લામાં થઈ ચૂક્યું છે.