ખેડા: સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ ખાતે દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણીનો ગઈકાલથી રંગેચંગે પ્રારંભ થઈ ચૂક્યો છે. મહોત્સવમાં સહભાગી થવા દેશ-વિદેશથી હજારોની સંખ્યામાં હરિભક્તો વડતાલ ખાતે ઉમટી પડ્યા છે. ત્યારે ખૂબ મોટી સંખ્યામાં પહોંચેલા ભાવિકોને લઈ પ્રથમ દિવસથી જ ટેન્ટ સિટી સહિત ધર્મશાળાઓ હાઉસફૂલ થઈ ચૂકી છે.
15 હજાર ઉપરાંત ઘરભાડું: ભાવિકોના રોકાણ માટે ટેન્ટ સિટી તેમજ ધર્મશાળામાં વ્યવસ્થા કરવામાં આવેલી છે. જો કે વડતાલ ખાતે મહોત્સવમાં સહભાગી થવા વિશાળ સંખ્યામાં ભાવિકો ઉમટી પડતાં ટેન્ટ સિટી અને ધર્મશાળા પહેલા દિવસથી જ હાઉસફૂલ થઈ ગયા છે. જેને લઈ ભાવિકોને ગામમાં કે નજીકના સ્થળોએ ભાડેથી ઘર રાખી રહ્યા છે. જેને લઈ ઘરનું ભાડું 15 હજારથી લઈ 30 હજાર જેટલું ભાડું ભાવીકો ચૂકવી રહ્યા છે.
15 નવેમ્બર સુધી ચાલશે મહોત્સવ: 7 નવેમ્બરથી શરૂ થયેલો વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ 15 નવેમ્બર સુધી ચાલશે. આ દરમિયાન અનેકવિધ કાર્યક્રમો યોજાનાર છે. આ ભવ્યાતિભવ્ય મહોત્સવનો ગઈકાલે 7 નવેમ્બરના રોજ પોથીયાત્રા કળશયાત્રા સાથે ભવ્ય પ્રારંભ થયો છે. જેમાં સહભાગી થવા દેશ વિદેશથી હજારો હરિભક્તો ઉમટ્યા છે.
દ્વિશતાબ્દી મહોત્સવના ભવ્ય શુભારંભે માહિતી આપતા મુખ્ય કોઠારી ડૉ.સંતવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે,આ શતાબ્દી મહોત્સવનો શુભારંભ નથી,આ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના સુવર્ણયુગનો શુભારંભ છે.આપણે ભાગ્યશાળી છીએ કે આ ઘટનાના આપણે સાક્ષી છીએ.
વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણીમાં સહભાગી થવા અમેરિકાથી આવેલા હરિભક્ત ક્રિષ્નાબેન પટેલે જણાવ્યું હતુ કે, ભવ્ય મહોત્સવમાં સહભાગી થવું એ જીવનનો લહાવો છે. જેને લઈ અમે અમેરિકાથી આવ્યા છે.હાલ અમે આણંદ ખાતે અમારા સંબંધીને ત્યાં ઉતર્યા છે.વડતાલ મહોત્સવમાં સહભાગી થઈ રોજ વિવિધ સેવા આપીએ છીએ. મહોત્સવની ઉજવણી પુર્ણ થતા અમે પરત અમેરિકા જઈશુ.