અમરેલી: સૌરાષ્ટ્રમાં હાલ દિવાળીનો માહોલ જામ્યો છે. પરિણામે સૌરાષ્ટ્રમાં આવેલા ગામડા લોકોના અવરજવરથી ભરપૂર ખીલી ઉઠ્યા છે. લોકો હાલ ખેતર, પર્યટક સ્થળ સાહિતના વિસ્તારમાં ફરી રહ્યા છે. આ સાથે સૌરાષ્ટ્ર અને ગીરમાં સિંહ દર્શન કરવા માટે પણ મોટી સંખ્યામાં લોકો ગીરમાં આવી રહ્યા છે. ઉપરાંત અમરેલી જિલ્લાના ધારી તાલુકાના આંબરડી પાસે આવેલા આંબરડી સફારી પાર્ક પણ જાણીતું બન્યું છે અને અહીં લોકો આ પાર્કમાં સિંહ દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટ્યા છે.
DCF રાજદીપ સિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, "આંબરડી સફારી પાર્ક 365 હેકટર વિસ્તારમાં આવેલ છે. આ સફારી પાર્કમાં સિંહ ,દીપડો, ચિતલ, ચિંકારા, સાબર, નીલગાય, કાળિયાર, જરખ, અજગર તેમજ અન્ય પ્રજાતિના સરિસૃપ પ્રાણીઓ જોવા મળે છે. આ ઉપરાંત શિયાળામાં ઋતુ પ્રવાસી પક્ષીઓ પણ અહીં આવે છે. સાથે જ સ્થાનિક પક્ષીઓ પણ અહીં જોવા મળે છે."
અહીંનું મુખ્ય આકર્ષણ એ સિંહ છે. જેમાં ભગત અને સેલજા સિંહની જોડી પ્રખ્યાત છે. આ બંનેના 3 બચ્ચાંઓ છે. તમને જણાવી દઈએ કે, પ્રવાસીઓ માટે અહીં 5 બસની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને સમયાંતરે બીજી બસની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. સફારી પાર્કમાં પ્રવાસી સંકુલ આવેલ છે જેમાં પાર્કિંગ, ફૂડ કોર્ટ તેમજ સેલ્ફી પોઇન્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજદીપ સિંહે વધુમાં જણાવતા કહ્યું કે, "ગયા વર્ષે 60,000 પ્રવાસીઓએ આ સફારી પાર્કની મુલાકાત લીધી હતી. જ્યારે ચાલુ વર્ષમાં સતત પ્રવસીઓ સંખ્યામાં વધારો થઈ રહ્યો છે."
મળતી માહિતી પ્રમાણે જાણવા મળે છે કે, દિવાળીના દિવસો દરમિયાન 30 ઓકટોબરના રોજ 228 લોકોએ આ પાર્કની મુલાકાત લીધી હતી, 1 નવેમ્બરે 1152 વ્યક્તિઓએ મુલાકાત લીધી હતી, તેમજ 3 નવેમ્બરના રોજ 2727 વ્યક્તિઓએ સફારી પાર્કની મુલાકાત લીધી હતી. તમને જણાવી દઈએ કે, સફારી પાર્કની ટીકીટ અહીં 150 થી 180 પ્રતિ વ્યક્તિ માટે રાખવામાં આવી છે.
આ પણ વાંચો: