ખેડાઃ ફાગણી પૂનમે ડાકોરના ઠાકોર ભગવાન શ્રી રણછોડરાયજીના દર્શનનો વિશેષ મહિમા છે. દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી ડાકોર પહોંચે છે. અત્યારે ડાકોર તરફ જતા માર્ગો પર ભક્તોનો મહેરામણ ઉમટ્યો છે. ડાકોરના ઠાકોરના દર્શન કરવા ભક્તો જાણે અધીરા બન્યા છે.
ફાગણી પૂનમનો વિશેષ મહિમાઃ રણછોડ રાજાધિરાજના ફાગણી પૂનમે દર્શન કરવાનો વિશેષ મહિમા છે. આ દિવસે ભગવાન વિશેષ શણગારમાં દિવ્ય સ્વરૂપે ભાવિકોને દર્શન આપે છે. મોટી પૂનમ અને હોળી હોવાથી ભગવાન ભક્તો સાથે હોળી રમે છે. ભગવાન પાંચ વખત નવરંગોનો ખેલ કરે છે અને ભક્તોને હોળી રમાડે છે. તેથી આ દિવસે વિશાળ સંખ્યામાં ભાવિકો ડાકોર પહોંચે છે.
ઠેર ઠેર સેવા કેમ્પોઃ ડાકોર તરફ જતા પદયાત્રાઓની સેવા અને સુવિધા માટે ઠેર ઠેર સેવા કેમ્પો ધમધમી રહ્યા છે. જ્યાં પદયાત્રીઓેને સતત સેવા આપવામાં આવી રહી છે. વિવિધ સેવાભાવી વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા આ સેવા કેમ્પોનું આયોજન કરાયુ છે. જેમાં ચા-પાણી, નાસ્તો, ભોજન સહિત વિસામાની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવાઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા સારવાર કેમ્પ તેમજ પોલીસ વિભાગ દ્વારા સહાયતા કેન્દ્ર શરૂ કરાયા છે.
વહીવટી તંત્ર તેમજ ટેમ્પલ કમિટીની તૈયારીઓઃ ફાગણી પૂનમના મેળામાં લાખો ભકતો ડાકોર ઉમટી પડે છે. શાંતિપૂર્ણ માહોલમાં મેળો યોજાય તેમજ વ્યવસ્થા જળવાય તે માટે ટેમ્પલ કમિટી, જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ખાસ તૈયારીઓ કરી દેવાઈ છે. ટેમ્પલ કમિટી દ્વારા મંદિરને આકર્ષક રોશનીથી શણગારાયુ છે. તાપથી બચવા મંદિર પરિસરમાં પડદા લગાવાયા છે. મંદિર પરિસરમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા,આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાઈ છે. યોગ્ય રીતે દર્શન થઈ શકે તે માટે મંદિર પરિસરમાં પરિક્રમા બંધ રાખવામાં આવી છે. સલામતી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
છેલ્લા 46 વર્ષથી નરોડાથી અમારો રાધે રાધે નામક સંઘ ડાકોર પગપાળા આવે છે. અમે 250 ભકતો પગપાળા સંઘમાં જોડાયા છીએ. આવતીકાલે અમે ડાકોર પહોંચી જઈશું...સુરેન્દ્રસિંહ (પદયાત્રી, અમદાવાદ)
અમે ઓઢવ અમદાવાદથી છેલ્લા 28 વર્ષથી સેવા કેમ્પનું આયોજન કરીએ છીએ. અમે ડાકોર જતા પદયાત્રીઓની સેવા કરીએ છીએ. તેમને ચા-પાણી નાસ્તો અને પાકા ભોજનની પણ સુવિધા પૂરી પાડીએ છીએ...લક્ષ્મીલાલ (સેવા કેમ્પ આયોજક, અમદાવાદ)