ગાંધીનગર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારોમાં રોડ નેટવર્કને વધુ મજબૂત કરવા રૂ. 3842 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માળખાકીય વિકાસનું ચક્ર વિકસાવ્યું છે જે દેશની સતત પ્રગતિનો પાયો છે. એટલું જ નહીં, તેમણે રાજમાર્ગોને લોકોની સુખાકારી અને રાષ્ટ્રના વિકાસની કરોડરજ્જુ ગણાવ્યાં. આ 3842 કરોડ રૂપિયાના કામોને મંજૂર કરીને ગુજરાતમાં તે જ પરંપરાને વધુ ઝડપી ગતિએ આગળ ધપાવવાના નિર્ધાર સાથે ગ્રામીણ માર્ગોને સુધારી અને મજબૂત કરીને બારમાસી રોડ સુવિધા, ગ્રામીણ વસ્તીને કનેક્ટિવિટી પ્રદાન કરવાનો અભિગમ અપનાવ્યો છે.
નોન-પ્લાન રસ્તાઓનું રિસરફેસિંગ : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ હેતુ માટે રાજ્યની તમામ જિલ્લા પંચાયતો હેઠળના ગ્રામીણ આંતરિક રસ્તાઓના જરૂરી રિસરફેસિંગ માટે 3180 કામો માટે રૂ. 3120.79 કરોડ મંજૂર કર્યા છે. કુલ 7453.21 કિલોમીટર લંબાઈના આવા નોન-પ્લાન રસ્તાઓનું રિસરફેસિંગ હાથ ધરવામાં આવશે. વધુમાં રાજ્યના સામાન્ય વિસ્તારોમાં 250 થી 500 ની વસ્તી ધરાવતા ઉપનગરોને જોડતા 206 રસ્તાઓને 394.27 કિલોમીટરની લંબાઈ માટે રિસરફેસ કરવા માટે રૂ. 191.55 કરોડની ફાળવણીને મંજૂરી આપી છે.
તૂટેલા રસ્તાઓનું સમારકામ : એટલું જ નહીં, ચોમાસા દરમિયાન અન્ય માર્ગોથી જોડાણ તૂટી જતા રાજ્યના સરહદી ગામડાઓને જોડવાની દિશામાં પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મહત્વની મંજૂરી આપી છે. તદનુસાર, મુખ્યમંત્રીએ 91.22 કિલોમીટર લંબાઈના નવા 100 રસ્તાઓ અને વિવિધ પ્રકારના 76 ખૂટતા બાંધકામો માટે રૂ. 240.86 કરોડની રકમ મંજૂર કરી છે.
ગામડાઓને બારમાસી રસ્તાની સુવિધા : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે 250થી ઓછી વસ્તી ધરાવતા આદિવાસી વિસ્તારોને જોડતા રસ્તાઓના રિસરફેસિંગ માટે રૂ. 288.82 કરોડ મંજૂર કર્યા છે. આના પરિણામે આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં આવા 415 કામો હાથ ધરીને 731.97 કિ.મી.ના રસ્તાઓમાં સુધારો અને મજબૂતીકરણ થશે. ગ્રામીણ જીવનમાં સુવિધાઓ વધારવાના આ લોક કલ્યાણકારી નિર્ણયથી રાજ્યના ગામડાઓને બારમાસી રસ્તાની સુવિધા મળશે અને કનેક્ટિવિટી ઝડપી અને મજબૂત બનશે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં જ રૂ. 1411.81 કરોડ રાજ્યના પંચાયત માર્ગ મકાન વિભાગ હેઠળ રસ્તાઓનું સમારકામ, નવા બાંધકામો અને રસ્તાઓને મજબૂત કરવાના 1017 કામો માટે રકમ ફાળવેલી છે.