જૂનાગઢ: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જ્યારથી ચાઇનીઝ લસણ મળી આવ્યું હતું તેથી હરાજી બંધ કરાઇ હતી ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડ, ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં હરાજી બંધ કરવામાં આવી છે, ત્યાર બાદ હવે સમગ્ર દેશમાં ચાઈનીઝ લસણને લઈને લસણના વેપારીઓ હરાજીથી દૂર થઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ભારતના દેશી અને ચાઇનાથી મંગાવેલા ચાઈનીઝ લસણની ઓળખ કરવી બિલકુલ સહેલી અને સરળ છે. માત્ર ખરીદી કરતી વખતે થોડું ધ્યાન રાખવાથી ચાઈનીઝ લસણથી કોઈપણ વ્યક્તિ દૂર રહી શકે છે.
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ચાઈનીઝ લસણ પ્રતિબંધિત: ગોંડલમાં ચાઈનીઝ લસણ આવતાની સાથે જ દેશની મોટાભાગની APMCમાં ચાઈનીઝ લસણને લઈને હરાજી બંધ કરવામાં આવી છે. ત્યારે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં પણ લસણના વેપાર સાથે સંકળાયેલા જથ્થાબંધ વેપારીઓને જૂનાગઢ APMCના અધિકારીઓ દ્વારા ચાઈનીઝ લસણની ખરીદીથી દૂર રહેવા અને ચાઈનીઝ લસણ કોઈ પણ કિસ્સામાં આવી જાય તો માર્કેટિંગ યાર્ડ વહીવટી તંત્રનો સંપર્ક કરવા મોટા વેપારીઓને તાકીદ કરી છે.
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં અન્ય રાજ્યોના લસણ: અત્યાર સુધીમાં જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં એક પણ કિસ્સામાં ચાઈનીઝ લસણ હરાજી માટે આવ્યું નથી. ભારત સરકારે ચાઈનીઝ લસણ પ્રતિબંધિત કર્યા બાદ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રના સ્થાનિક લસણની સાથે મધ્ય પ્રદેશ અને અન્ય ભારતના રાજ્યોમાંથી આવતું દેશી લસણ હરાજીમાં મૂકવામાં આવે છે.
ચાઈનીઝ લસણની ઓળખ કરવી સહેલી: ભારત અને ચાઇનામાં ઉત્પાદિત થતાં લસણની ઓળખ કરવી એકદમ સરળ માનવામાં આવે છે. ચાઇનાનું લસણ દેખાવમાં એકદમ સફેદ હોય છે. તેની સરખામણીએ ભારતનું લસણ પીળાશ પડતા સફેદ કલરનું હોય છે. ચાઈનીઝ લસણમાં લસણની કળીઓ ખૂબ ઓછી હોય છે. પરંતુ તેનું કદ ખૂબ મોટું હોય છે,. બીજી તરફ ભારતના સ્થાનિક લસણમાં અનેક કળીઓ હોય છે. જેનું કદ ચાઈનીઝ લસણ કરતા અનેક ગણું નાનું હોય છે.
લસણને ફોલતા જોવા મળે છે અંતર: ભારતીય લસણના મૂળનો ભાગ કાળાશ પડતો જોવા મળે છે. જ્યારે ચાઇનામાંથી ઉત્પાદિત થતું લસણ સંપૂર્ણપણે સફેદ જોવા મળે છે. લસણની કળીને ફોલતાની સાથે જ તેમાં સૌથી મોટું અંતર જોવા મળે છે. ચાઈનીઝ લસણની કળી ફોલ્યા બાદ તે એકદમ સફેદ કલરની નીકળે છે. પરંતુ ભારતીય લસણની કળીને ફોલ્યા બાદ તે પીળાશ પડતા રંગનું જોવા મળે છે. આમ નજરની દ્રષ્ટિએથી જ પારખી શકાય તે પ્રકારે ભારત અને ચાઇનાનું લસણ અલગ જોવા મળે છે. ખરીદી વખતે લોકોએ થોડીક સાવચેતી રાખે તો ચાઈનીઝ લસણની ખરીદીથી દૂર રહી શકાય તેમ છે.
આ પણ જાણો: