સુરત: જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં મે માસ દરમિયાન બાળમજૂરી નાબૂદી અભિયાન હેઠળ કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
બાળમજૂરી કરાવતા લોકો સામે કાર્યવાહી થશે: આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ બાળમજૂરીમાંથી રેસ્ક્યુ કરવામાં આવેલા બાળશ્રમિકોનું પુનર્વસન થાય તેમજ બાળમજૂરી અંગે વધુમાં વધુ જાગૃતિ કેળવાય તે માટે સૌને સાથે મળી કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો. જોખમી ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા બાળશ્રમિકોને રેસ્ક્યુ કરવા પર ભાર મૂકીને બાળકો, તરૂણોનું ભવિષ્ય અંધકારમય ન બને એ માટે બાળમજૂરી કરાવતા લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવો મત વ્યક્ત કર્યો હતો.
4 બાળશ્રમિકો અને 3 તરુણોને બચાવાયા: બેઠકમાં મદદનીશ શ્રમ આયુક્ત એચ.એસ ગામીતે વિગતો આપતા જણાવ્યું કે, મે મહિનામાં ટાસ્ક ફોર્સ દ્વારા હોટેલ-રેસ્ટોરન્ટ, કારખાનાઓમાં ૩ રેડ કરાઈ હતી, જેમાં ૪ બાળશ્રમિક અને ૩ તરૂણ શ્રમિકો માલૂમ પડ્યા હતા. જેમના પુનર્વસનની કામગીરી કરવામાં આવી છે. આ બાળકો બિહારના હોવાથી બિહારમાં રહેતા તેમના માતાપિતાને સુરત બોલાવી બાળકો સાથે માતાપિતાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને ભવિષ્યમાં બાળક ફરી વાર બાળમજૂરીના દલદલમાં ન ફસાય એ માટે સમજણ આપવામાં આવી છે.
બાળમજૂરી કરાવનારાઓ સામે FIR: માલૂમ પડેલ બાળશ્રમિકો જે જગ્યાએ કામ કરતા હતા, તે જગ્યાના માલિક સામે FIR નોંધાવવામાં આવી હતી અને નિયમનની ૩ નોટિસ આપવામાં આવી હતી એવું મદદનીશ શ્રમ આયુકતે જણાવ્યું હતું. બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ પટેલ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જિજ્ઞેશ ચૌધરી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વજેસિંગ વસાવા, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી મુકેશ એન. ગામીત સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.