ખેડા : રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસથી ફફડાટ ફેલાયો છે. ખેડા જિલ્લામાં ચાંદીપુરાના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. ગળતેશ્વર તાલુકાના ખાખરીયા ગામમાં અઢી વર્ષીય બાળકને ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં ફોગિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.
વધુ એક કેસ નોંધાયો : ગળતેશ્વર તાલુકાના ખાખરીયા ગામમાં અઢી વર્ષીય બાળકને ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાયા હતા. જેને લઈ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં ફોગિંગ તેમજ સર્વે સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આરોગ્ય વિભાગ સતર્ક થયું : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. વી. એ. ધ્રુવે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગામેગામ અને તાલુકા મથકોએ વિવિધ તકેદારીના પગલાં ભર્યા છે. જેમાં આરોગ્ય વિભાગે તકેદારીના ભાગરૂપે કુલ 500 વ્યક્તિની ટીમોને વિવિધ કામગીરીની સોપણી કરી છે. જે ફીલ્ડ પર પહોંચી તકેદારીના ભાગરૂપે કામગીરી કરી રહી છે. આ ઉપરાંત જિલ્લાના તાલુકા મથકોએ અને ખાસ ગ્રામીણ વિસ્તારના ઘરોમાં દવાનો છંટકાવ, ફોગિંગ સહિત સર્વેની કામગીરી હાથ ધરી છે.
આટલું ધ્યાન રાખો !
આરોગ્ય અધિકારી વધુમાં જણાવ્યું હતું કે, જો કોઈ બાળકને સખત તાવ આવે ઝાડા-ઉલ્ટી થાય, ખેંચ આવવી, અર્ધ બેભાન કે બેભાન થાય તો તરત તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરી દેવો, જેથી તાત્કાલિક સારવાર મળી શકે. પ્રજાને કેટલીક તકેદારી રાખવી જોઈએ, જેમ કે એન્સેફેલાઇટિસ નામનો તાવ બાળકોને પ્રારંભિક તબક્કામાં તાવના લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર અપાવી અને જરૂરી રિપોર્ટ કરાવવા જોઈએ.
આ વાયરસનો ફેલાવો મચ્છર તેમજ સેન્ડફ્લાય એટલે કે માટીના વિસ્તારમાં રહેતી માખીથી થતો હોય છે. જે માટે માખીનો નાશ કરવો જરૂરી છે. ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસ (સૂર્યપ્રકાશ આવે) તેવી વ્યવસ્થા કરવી.