કચ્છઃ ગાંધીધામ ખાતે આજે કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંવાદ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેમાં વિવિધ ઈન્ડસ્ટ્રીઝના આગેવાનો, ગાંધીધામ અને અંજારના ધારાસભ્યો પણ જોડાયા હતા. કેન્દ્રીય રેલવેપ્રધાન સમક્ષ માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓએ માંડવીને રેલવે કનેક્ટિવિટી મળે તે માટે રજૂઆત કરી આવી હતી.
વિનોદ ચાવડાની મતદાન માટે અપીલઃ કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ ચેમ્બરના સભ્યોને સંબોધતા જણાવ્યું હતું કે ભારતમાં દરેક જગ્યાએ અને ખાસ કરીને રેલવે વિભાગમાં સતત વિકાસ થઈ રહ્યો છે, છેલ્લા કેટલાક વર્ષોમાં રેલવે ક્ષેત્રે એક ક્રાંતિ જોવા મળી રહી છે, રેલવે પ્રધાનના નેતૃત્વમાં નવી ટેકનોલોજીની મદદથી રેલ્વે વિભાગ ખૂબ પ્રગતિ કરી રહ્યું છે. તેમજ 7મીએ મતદાન યોજાશે ત્યારે તમામ લોકોને અપીલ કરી હતી અને મતદાન દિવસને તહેવાર તરીકે ઉજવવા જણાવ્યું હતું.
કચ્છના સાંસદની કામગીરીની પ્રસંશા કરીઃ કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે પોતાના સંબોધનમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડાની કામગીરીની પ્રસંશા કરી હતી તો વિનોદ ચાવડા પોતાના વિસ્તારના જે રીતે ઝડપથી કામ કરાવી શકે છે તેવા સાંસદ ઓછા છે અને વિનોદ ચાવડા જેવા સાંસદ બધાને મળે તેવું વાત કરી હતી.જે રીતે વિનોદ ચાવડા પોતાના લોકસભા ક્ષેત્રોમાં રેલવેના કામોને લઈને ફોલોઅપ લે છે તે રીતે ખૂબ સારું કામ તેઓ કરે છે.
કેન્દ્ર સરકારની 10 વર્ષની ઉપલબ્ધિ વર્ણવીઃ વર્ષ 1947 પછી જે સરકારો આવી ખાસ કરીને 4 દશક 1950 થી 1990એ સમયકાળે ભારતની ઊર્જા ખતમ કરી નાખી હતી. લાઈસન્સ રાજ હતું ઉત્પાદન વધારવા માટે સત્તાધીશો પાસે પરવાનગીઓ લેવી પડતી હતી. તો અટલ વાજપેયીજી ની સરકારમાં થોડું પરિવર્તન આવ્યું પણ તે પછીના વર્ષોમાં ભારત આર્થિક રીતે ખૂબ પાછળ રહ્યું. 2014થી દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ સુકાન સંભાળતા 2004થી 2014 દરમ્યાન વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આપણે જે 11માં ક્રમે રહ્યા તે હવે આપણે વિશ્વની 5મી અર્થવ્યવસ્થા બન્યાં છીએ.
3 વર્ષમાં ભારત વિશ્વની 3જી મહાસત્તાઃ સંવાદ કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિનની વૈષ્ણવ ઉપસ્થિત રહ્યા હતા અને કેન્દ્ર સરકારની 10 વર્ષની ઉપલબ્ધિ વર્ણવી હતી અગાઉની કોંગ્રેસ સરકાર સમયે દેશની આર્થિક સ્થિતિ અને અત્યારેની મોદીના નેતૃત્વ વાળી સરકારની ઉપલબ્ધિઓ અંગે વિસ્તૃત વિગતો રજૂ કરી હતી ગાંધીધામ ચેમ્બર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રેલ્વે પ્રધાન વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ભારતની આર્થિક સુદ્રઢતાને કોઈ અટકાવી શકશે નહીં અને વિશ્વની 3જા નંબરની મહાસતા આગામી 3 વર્ષમાં બનશે.
કચ્છનો રેલવે વિકાસઃ આજે દેશના વિકાસનો નવો નારો છે 24 x 7 ફોર 2047 અને ભારત એ દિશામાં કામ કરી રહ્યું છે. આજે દરરોજ 15 કિલોમીટર નવી રેલવે લાઈન ભારતમાં નખાઈ રહી છે, જે અંદાજે વર્ષની 5,200 કિલોમીટરથી પણ વધુ થાય છે.કચ્છનારેલવે વિકાસ અંગેની વાતચીત કરતા જણાવ્યું હતું કે વિનોદ ચાવડાએ 47 જેટલા પુલ અને અંડરપાસ પાસ કરાવ્યા છે અને હાલમાં 10 જેટલા પુલોનું કામ પણ થઈ રહ્યું છે.તો કચ્છ મોરબી લોકસભા બેઠક વિસ્તારમાં 5 સ્ટેશન વર્લ્ડ ક્લાસ સ્તરના બનાવવામાં આવી રહ્યા છે જેમાં ન્યુ ભુજ, ગાંધીધામ, મોરબી, ભચાઉ અને સામખિયાળીમાં હાલમાં કુલ 563 કરોડના ખર્ચે નિર્માણ પામશે.
સામખિયાળી આદિપુર સુધી ફોર લેન ટ્રેકઃ પાલનપુર સામખિયાળી રેલવે માટે 2900 કરોડ તો ભુજ દેશલપર નલિયા બ્રોડગેજ જે 102 કિલોમીટરનું કામ છે જે 827 કરોડનું છે તે પણ હાલમાં ચાલી રહ્યું છે જેમાં ભુજથી દેશલપર સુધીનું કામ પૂર્ણ પણ થઈ ચૂક્યું છે.તો 1600 કરોડના પ્રોજેક્ટમાં સામખિયાળી આદિપુર સુધી ફોર લેન પાટાનું કામ કરવામાં આવી રહ્યું છે.
ચેમ્બરની મેમોરેન્ડમ દ્વારા રજૂઆતઃ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ મહેશ પુંજે માહિતી આપતા જણાવ્યું હતું કે, દેશમાં રેલવે ક્ષેત્રે જે વિકાસ થઈ રહ્યો છે તેમાં કચ્છને પણ લાભ મળી રહ્યો છે. આદિપુર સામખિયાળી ફોર લાઈનનું કામ ચાલુ છે તો અનેક અંડરબ્રિજ અને ઓવરબ્રિજ બની રહ્યા છે. તો ચેમ્બર દ્વારા પણ રેલવે પ્રધાનને મેમોરેન્ડમ પણ આપવામાં આવ્યા છે જેમાં ગાંધીધામથી અમદાવાદ એક વંદેમાતરમ સુપર ફાસ્ટ ટ્રેન મળે, ગાંધીધામથી દિલ્હીની એક ટ્રેન મળે તો ગાંધીધામથી સાઉથ જવા માટે સાપ્તાહિક ટ્રેન છે તે રેગ્યુલર કરવામાં આવે. આગામી સમયમાં કાર્ગો ટ્રેન પણ કચ્છને મળે તે માટેની રજૂઆત કરવામાં આવી છે. તો ચૂંટણી બાદ બેઠક યોજીને આ તમામ મેમોરેન્ડમ પર ચર્ચા કરીને મંજૂરી સહિતની બાંયધરી રેલવે પ્રધાન દ્વારા આપવામાં આવી હતી.