નર્મદા: ચોમાસામાં નર્મદા જિલ્લો પ્રાકૃતિક સૌંદર્યથી ખીલી ઉઠે છે. ત્યારે કરજણ ડેમમાં પાણીની આવક થતા જેના બેકવોટરથી માંડણ ગામે સુંદર ઝીલનું નિર્માણ થાય છે. વરસાદમાં ડુંગળો પાસે નજીકમાં સુંદર ધોધ પડે છે. એટલે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે. ત્યારે પ્રકૃતિના સુંદર નજારાને લોકો માણવા ખૂબ દૂર દૂરથી આવે છે અને પ્રવાસીઓ સેલ્ફી પાડીને મોજ મસ્તી કરે છે.
વરસાદને લીધે ઝીલ બનતા પ્રવાસીઓનો ઘસારો: માંડણ ગામ એક નાનકડું ગામ છે પરંતુ કરજણ જળાશયના પાછળના ભાગે આવેલું હોય આ ગામે સુંદર ઝીલ નિર્માણ થતી હોય પ્રવાસીઓ અહીંયા મોટી સંખ્યામાં આવે છે. ખાસ કરીને ચોમાસામાં આ જગ્યા મનમોહક બની જાય છે. સુંદર સ્થળ બની જાય છે. કરજણ ડેમની હાલ જળ સપાટી 107.93 મીટર છે અને કરજણ જળાશયમાં 324.75 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જળ સંગ્રહિત છે. ડેમ 65 ટકા ભરાયેલો છે એટલે માંડણ ગામ સુધી પાણીની સુંદર ઝીલ બને છે. જે ખુબ આહલાદક લાગે છે.
પ્રવાસન સ્થળ બને તેવી પ્રવાસીઓની માંગ: ખાસ વરસાદમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીંયા આવે છે.આ સાથે અહીંના આદિવાસીઓ માટે આ જગ્યા આશીર્વાદરૂપ સાબિત થાય છે. કારણ કે, અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા અહીંના સ્થાનિક લોકોને રોજગારી પણ વધુ મળી રહે છે. ત્યારે અહીં આવતા પ્રવાસીઓ ઈચ્છે છે કે, આ જગ્યાને સરકાર દ્વારા વિકસીત કરવામાં આવે તો કાયમ માટે અહીં પ્રવાસીઓ આવે અને એક મોટું પ્રવાસન ધામ પણ બને એવું પ્રવાસીઓ ઇચ્છી રહ્યા છે.