અમદાવાદઃ આજે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ રજૂ કર્યુ છે. આ બજેટને ગુજરાત કૉંગ્રેસે નિરાશાજનક ગણાવ્યું છે. કૉંગ્રેસના શક્તિ સિંહ ગોહિલ અને મનિષ દોશીએ આ બજેટ સંદર્ભે ભાજપ પર આકરા વાકપ્રહાર કર્યા છે. 'મોસાળે મા પીરસનારી હોય' તેમ છતાં ગુજરાતને ૧૦થી વધુ જુદી જુદી યોજનાઓમાં એક પણ રૂપિયો ગુજરાતને ન ફાળવીને આ ડબલ એન્જીનના ગાણા ગાતી ભાજપા સરકારે ગુજરાતને હળહળતો અન્યાય કર્યો હોવાનો આરોપ ગુજરાત કૉંગ્રેસે કર્યો છે.
ગુજરાતને થપ્પડઃ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયની કેન્દ્રીય યોજના અને કેન્દ્ર અનુમોદિત યોજનાઓમાં ગુજરાતને ભાજપે થપ્પડ મારી છે તેમ ગુજરાત કૉંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી જણાવી રહ્યા છે. અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ અને ઓબીસી સમાજના લોકોનાં સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ઉત્થાન માટેની યોજનાઓમાં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને પૂરતું બજેટ ફાળવવામાં આવતું નથી. વર્ષ ૨૦૨૦-૨૧માં અનુસુચિત જાતિ અને ઓબીસી સમાજના વિધાર્થીઓ માટે કોચિંગ માટેના ૪૦ ટકાથી પણ ઓછા એટલે કે ૩૦ કરોડ રૂપિયાના બજેટમાંથી માત્ર ૧૧ કરોડ જેટલો ખર્ચ કરવા આવ્યો. આ ઉપરાંત મનિષ દોશીએ ગુજરાતને 1 પણ રુપિયો ફાળવ્યો ન હોય તેવી યોજનાઓનો ઉલ્લેખ પણ કર્યો હતો.
• અનુસુચિત જાતિનાં વિદ્યાર્થીઓના મેરિટમાં સુધારાની યોજના
• ક્રેડિટ ગેરંટી યોજના
• પ્રધાનમંત્રી દક્ષતા અને કૌશલ્યતા સંપન્ન હિતગ્રહી યોજના
• સ્કીમ ફોર પ્રિવેન્શન ઓફ અલ્કોલીસ્મ એન્ડ ડ્રગ્સ અબ્યુસ
• નેશનલ સર્વે ઓન ડ્રગ્સ અબ્યુસ
• રીસર્ચ સ્ટડી એન્ડ પબ્લિકેશન
• ઈનટ્રીગ્રેટેડ પ્રોગામ ફોર સીનિયર સિટીજન
• ઈનટ્રીગ્રેટેડ પ્રોગામ ફોર રીહાબીલીટેશન ઓફ બેગર (ભિખારીનાં પુનઃવસનની યોજના)
• રાષ્ટ્રીય વયોશ્રી યોજના
• વિશ્વાસ યોજના
આજે કેન્દ્ર સરકારે રજૂ કરેલ વચગાળાનું બજેટ અત્યંત નિરાશાજનક રહ્યું છે. કેન્દ્ર સરકારે ગુજરાતના હીરા ઉદ્યોગ, અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ માટે કોઈ ફાળવણી કરી નથી. આ બજેટથી ધનવાન અને ગરીબો વચ્ચેની ખાઈ વધશે. રેલવે વિભાગમાં ગતિ વધારવામાં કેન્દ્ર સરકાર પ્રવાસીઓની સલામતિ જોખમમાં મુકી રહી છે. ટૂંકમાં આજે રજૂ કરવામાં આવેલ બજેટ સંપૂર્ણ નિરાશાજનક રહ્યું છે...શક્તિ સિંહ ગોહિલ(કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ, ગુજરાત)
'મોસાળે મા પીરસનારી હોય' તેવો ઘાટ હોવા છતા ગુજરાત રાજ્યને યોગ્ય ફાળવણી ન કરીને ભાજપે ગુજરાતને અન્યાય કર્યો છે. વિચરતી વિમુક્ત જાતિને અન્યાયઃ વિચરતી વિમુક્ત જાતિનાં આર્થિક કલ્યાણ માટેની SEED યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨માં ૪૦ કરોડ ફાળવવામાં આવ્યા. જેમાંની ૧ ટકાથી પણ ઓછી રકમ વાપરવામાં આવી. વર્ષ ૨૦૨૨-૨૩માં ૨૮ કરોડ ફળવવામાં આવ્યા જેમાંથી પણ માત્ર ૨.૩ કરોડ વાપરવામાં આવ્યા. કહેવાતી ડબલ એન્જીન સરકારની અણઘડ નીતિઓને કારણે લાભાર્થીઓને મળવા પાત્ર લાભથી વંચિત રહી ગયા. ભિક્ષુકના પુનઃ વર્સન માટે વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૦ કરોડ અને વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૫ કરોડ ફાળવવામાં આવ્યા જેમાંથી પણ એક ટકાથી ઓછો ખર્ચ કરવામાં આવ્યો. આજ દર્શાવે છે કે ભાજપ સરકારની માનસિકતા ગરીબ-શ્રમિક-વંચિતો વિરોધી છે...ડૉ. મનિષ દોશી(મીડિયા કન્વીનર અને પ્રવક્તા, ગુજરાત કૉંગ્રેસ)