કચ્છ: સરહદી જીલ્લા કચ્છના દરિયા કાંઠેથી ફરી એકવાર સુરક્ષા દળના જવાનોને અધધ ચરસનો જથ્થો હાથ લાગ્યો છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને પેટ્રોલિંગ પણ સઘન બનાવવામાં આવી છે. ત્યારે ચરસના વધુ 11 પેકેટ મળી આવ્યા હતાં.
કોટેશ્વર ખાતેની બીએસએફ ચોકીના જવાનોને પેટ્રોલિંગ સમયે ચરસનું એક પેકેટ મળી આવ્યું હતું તો જખૌના ખીદરત ટાપુ ઉપરથી બીએસએફ, સ્ટેટ આઇબી, જખૌ મરીન પોલીસના જવાનો સંયુક્ત રીતે પેટ્રોલીંગમાં હતા ત્યારે 11 જેટલા ચરસના પેકેટ મળી આવ્યા હતા.છેલ્લાં એક અઠવાડિયામાં કચ્છની દરિયાઇ સીમામાંથી 42 જેટલા ચરસના પેકેટ મળી આવ્યા છે.
પશ્ચિમ કચ્છના અબડાસાના દરિયાઈ વિસ્તારમાંથી દરિયાના મોજામાં તણાઈ આવીને અવાર-નવાર ચરસના પેકેટો મળી રહ્યા છે. જખૌ મરીન પોલીસ, બીએસએફના જવાનો અને સ્ટેટ આઇબી જેવી સુરક્ષા એજન્સીઓને પણ ફૂટ પેટ્રોલિંગ દરમિયાન આ પેકેટો મળી આવતા હોય છે. આ ચરસના પેકેટની વધુ તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
આ વિસ્તારમાં વધુ ચરસના પેકેટ મળવાની સંભાવનાને જોતા સુરક્ષા એજન્સીઓએ સઘન ચેકીંગ હાથ ધરી છે. અવાર-નવાર બિનવારસુ ચરસનો જથ્થો મળી આવતા આ પેકેટ ક્યાંથી આવી રહ્યો છે ? કોણ આ ચરસના પેકેટ સતત મોકલી રહ્યું છે ? આ અંગેના મૂળ સુધી આજ દિન સુધી કોઈ સુરક્ષા એજન્સીઓ પહોંચી શકી નથી.