ગાંધીનગર: ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ સીટના ભાજપના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાનો સતત વિરોધ થઈ રહ્યો છે. રૂપાલાએ બે વાર જાહેરમાં માફી માંગ્યા છતાં ક્ષત્રિય સમાજનો વિરોધ શાંત પડી રહ્યો નથી. ત્યારે ક્ષત્રિય સમાજના વિરોધને ડામવા માટે ખુદ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મોવડી મંડળ મેદાને આવ્યું છે. ત્યારે આજે ગાંધીનગરમાં સી.આર પાટીલના નિવાસસ્થાને મહત્વની બેઠક યોજાઈ હતી.
જાણો કોણ કોણ હાજર રહ્યુ બેઠકમાં: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પીટીલના નિવાસ્થાને મળેલી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે ભાજપના ક્ષત્રિય નેતાઓ પણ હાજર રહ્યા હતા. મિટિંગમાં રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, ગૃહમંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્ય કિરીટસિંહ રાણા, મહામંત્રી રજની પટેલ, જયરાજસિંહ પરમાર હાજર રહ્યા હતા. બેઠકમાં ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો વિરોધ ડામવા ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી.
શું કહ્યુ સી.આર.પાટીલેે: બેઠક બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું કે રાજકોટ સીટ પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે જે ટિપ્પણી કરવામાં આવી તેને કારણે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે. પરસોતમ રૂપાલાએ ત્રણ વાર માફી માંગી છે છતાં પણ ક્ષત્રિય સમાજનો રોષ ઓછો થતો નથી. ક્ષત્રિય સમાજનો રોષ પણ સ્વાભાવિક છે. આ રોષને ડામવા માટે અમે આજે ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનો સાથે મીટીંગ કરી છે. ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને રૂપાલાને માફ કરવા જોઈએ.
જાણો શું છે આગળની રણનીતિ: તેમણે વધુમાં જણાવ્યું કે ભાજપના ક્ષત્રિય આગેવાનો સમાજના ગુસ્સાને ઓછો કરવા ક્ષત્રિય સમાજની સંસ્થાના આગેવાનો સાથે મુલાકાત કરશે. ક્ષત્રિય સમાજ સંસ્થાઓ અને ટ્રસ્ટોના આગેવાનો સાથે મીટીંગ કરવામાં આવશે. આ મિટિંગમાં આગેવાનોનો ગુસ્સો ઓછો કરવા માટે ચર્ચા કરવામાં આવશે. આવતીકાલે ત્રણ વાગ્યે સંકલન સમિતિની મીટીંગ મળશે. મિટિંગ બાદ ધીરે ધીરે વાતાવરણ શાંત પડશે.
રૂપાલને માફ કરવા અપીલ: ગાંધીનગરમાં સી.આર.પાટીલના નિવાસસ્થાને મુખ્યમંત્રીની હાજરીમાં ક્ષત્રિય આગેવાનો સાથે ત્રણ કલાક જેટલી મીટીંગ ચાલી હતી. આ મિટિંગમાં સમગ્ર વિવાદનો જલ્દીથી ઉકેલ લાવવા પ્રયાસ શરૂ થયા છે. અંતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પણ ક્ષત્રિય સમાજની બે હાથ જોડીને માફી માગી હતી. સમાજને પુરુષોત્તમ રૂપાલને માફ કરી દેવા માટે અપીલ પણ કરી હતી.