મહેસાણા: પોલિટિકલ લેબોરેટરી ગણાતા મહેસાણાની લોકસભા બેઠક પર સૌ કોઈની મીટ મંડાઇ ગઇ છે. મહેસાણા બેઠક પર સતત ભાજપનો ભગવો ઘણા વર્ષોથી લહેરાતો આવ્યો છે ત્યારે આ વખતે પણ ભાજપના ઉમેદવાર જીતનો આશાગત વ્યક્ત કરી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર પણ જીતની આશા સાથે પરિણામની રાહ જોઈ રહ્યા છે.
ભાજપ ઉમેદવારે વ્યક્ત કર્યો આશાવાદ: મહેસાણા લોકસભા બેઠકના પરિણામ પહેલા અને એક્ઝિટ પોલ બાદ મહેસાણા લોકસભાના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલનું નિવેદન હતું કે, તેઓ માત્ર જીત નહિ પણ જંગી બહુમતીથી જીતનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. પોતે 5 લાખથી વધુની લીડ મળશે તેવું નિવેદન હરિભાઈ પટેલ કરી રહ્યા છે.હરીભાઈએ જણાવ્યું હતું કે, મોસાળમાં માં પીરસનાર જેવો ઘાટ સર્જાવાનો છે અને એક્ઝિટ પોલ મહેસાણામાં સાચો પડવાનો છે અમે જંગી લીડ સાથે જીતીશુ.
કોંગ્રેસ ઉમેદવારે આપ્યું નિવેદન: બીજી તરફ એક્ઝિટ પોલ બાદ મહેસાણા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરનું નિવેદન હતું કે, એક્ઝિટ પોલના આંકડા ચોક્કસથી ખોટા પડવાના છે. અગાઉ પણ એક્ઝિટ પોલના આંકડા ખોટા પડેલા છે. મહેસાણા વિસ્તારમાં બહુ સમસ્યાઓ છે. હવે લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે. રામજી ઠાકોર જણાવે છે કે, તેઓ 1 લાખથી વધુ મત થી જીત મેળવશે.