કચ્છ: જિલ્લાના ભુજ નખત્રાણા રોડ પર આવેલ દેવપર પાસેના સાયરા ગામ નજીક મોટાયક્ષનો ભાતીગળ લોકમેળો યોજાય છે. જે જિલ્લાનો સૌથી મોટામાં મોટો મેળો છે. આ મેળો હજારો લોકોની રોજગારી માટેનું એક સાધન પણ છે, તો કચ્છનો આ મેળો સૌથી મોટો મેળો હોવાથી તેને મિની તરણેતરના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. દર વર્ષે અંદાજિત 17 જેટલા એકરમાં આ મેળો યોજવામાં આવે છે. જેમાં 700થી પણ વધુ વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવતા હોય છે.
![કચ્છનો સૌથી મોટાયક્ષ દાદાનો મેળો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-09-2024/gj-kutch-03-yaksh-mela-video-story-7209751_19092024131439_1909f_1726731879_665.jpg)
અગાઉ ગાડાઓ ભરીને લોકો મેળામાં આવતા: ઈતિહાસમાં વર્ષો પહેલાં આ મેળામાં બે દિવસ ગાડાઓ ઉંચા કરી તેના અદભુત તંબુ બનાવવામાં આવતા હતા. લોકો મેળામાં આવતા એટલે જમવાનું પણ સાથે લઈને આવતા તો અહીં મેળામાં આવીને પણ ભોજન બનાવતા હતા. જેમાં મીઠા-ખારા થેપલા, પુરી, લાડવા જેવી ઘરની વાનગીઓ બનાવીને આવતા અને સગા-સંબંધીઓ એક બીજાને તંબુઓમાં મળવા આવતા અને સાથે જમતા હતા.
![આ વર્ષે 1283મી વખત યોજાશે મેળો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-09-2024/gj-kutch-03-yaksh-mela-video-story-7209751_19092024131439_1909f_1726731879_390.jpg)
યક્ષ બૌતેરા દાદા પર અનન્ય શ્રદ્ધા: એક દંતકથા મુજબ મોટાયક્ષના મેળામાં યક્ષ દાદાના સાનિધ્યમાં સગપણ-સાંતરા પણ કરવામાં આવતા હતા. મેળામાં યુવાન-યુવતી જીવનભર સાથ નિભાવવાના વચન આપતા હતા. એક સમય હતો કે જ્યારે મેળામાં આજુબાજુના ગામડાના લોકો સવારના પરોઢે ચાર વાગે પોતાના ગાડાઓ લઈને નીકળતા અને મેળાનો લ્હાવો લેતા. અમુક ગાડાવાળા રાતવાસો કરતાં તો અમુક સાંજના પાંચ વાગ્યા પછી પોતાના ગામડે પરત જવા નીકળતા હતા. આજુબાજુના ગામડાંમાંથી લોકો અહીં યક્ષ દેવની ખીર અને મીઠા ભાત જેને કચ્છીમાં પહેડી કહેવામાં આવે છે તે યક્ષ દાદાને ચડાવે છે અને માનતા માનતા હોય છે. સમગ્ર કચ્છના તેમજ કચ્છ બહાર વસતા કચ્છીઓને મોટા યક્ષના યક્ષ બૌતેરા દાદા પર અનન્ય શ્રદ્ધા છે.
![આ વર્ષે 1283મી વખત યોજાશે મેળો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-09-2024/gj-kutch-03-yaksh-mela-video-story-7209751_19092024131439_1909f_1726731879_360.jpg)
અગાઉ મેળામાં વાસણ માટે બજારો ભરાતા: આ વર્ષે મોટાયક્ષનો મેળો 1283મી વખત ઉજવવામાં આવશે ઉપરાંત તેની સતત એક ધારી ઉજવણી કરવામાં આવી રહી છે, જયારે મૂળ કચ્છના અને ગુજરાતના મુખ્યપ્રધાન રહી ચૂકેલા સુરેશ મહેતાના સમયમાં આ મોટાયક્ષના મેળાને કચ્છનો મોટામાં મોટો અને મીની તરણેતરનો દરજ્જો આપવામાં આવ્યો હતો. પહેલા આ મેળામાં વાસણ માટે પણ બજાર ભરાતો હતો. જેમાં માંડવી, ભુજ તેમજ અંજાર શહેરના કંસારાઓ પોતાના વાસણો લઈને આવતા જે મેળા પહેલા આઠથી દસ દિવસ તેમજ મેળો પત્યા પછી આઠથી દસ દિવસ રોકાતા, જેમા આજુબાજુના ગામડાના લોકો અહીં પોતાના જુના વાસણો જમા કરાવીને નવા વાસણોની ખરીદી કરતા. તમને જણાવી દઈએ કે, તે સમયે ગામડાઓમાં વાસણોની દુકાનો ન હતી ત્યારે આ મેળામાં લોકો વાસણોની ખરીદી કરતા હતા.
![કચ્છનો સૌથી મોટાયક્ષ દાદાનો મેળો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-09-2024/gj-kutch-03-yaksh-mela-video-story-7209751_19092024131439_1909f_1726731879_77.jpg)
અગાઉ ફરસાણ માત્ર મેળામાં જોવા મળતા: આ ઉપરાંત જયારે ગામડાઓમાં ફરસાણ ન મળતું ત્યારે મેળા વખતે ગામડાના લોકો ભજીયા, જલેબી, ફાફડા સહિતનો નાસ્તાઓ કરવા આવતા, ત્યારે મેળામાં ફરસાણોની દુકાનોમાં લાઈનો લાગતી હતી અને 15 થી 20 દુકાનો તો ફરસાણની જોવા મળતી હતી. જ્યારે અત્યારે આ મેળામાં ફરસાણની એકથી બે દુકાનો જ જોવા મળે છે અને બાકીના સ્ટોલમાં ફાસ્ટફૂડ જોવા મળતું હોય છે.
![કચ્છનો સૌથી મોટાયક્ષ દાદાનો મેળો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-09-2024/gj-kutch-03-yaksh-mela-video-story-7209751_19092024131439_1909f_1726731879_472.jpg)
રાજાશાહી સમયે રાજાઓ પણ આ મેળાને માણવા આવતા: નખત્રાણા તાલુકામાં યોજાતા આ મેળામાં રાજાશાહી સમયે રાજાઓ પણ આ મેળાને માણવા આવતા હતા. આ મેળો લાખાડી, ભાયાત, રોહા જાગીર, દેવપર, મંજલ, તરા સહિત એમ 12 જેટલા ગામોને લાગુ પડતો હતો. પહેલાના જમાનામાં લોકો માટે અમુક પ્રસંગો જ હતા આથી આવા મેળા જેવા પ્રસંગો આવતા લોકોમાં ખુશીઓ જોવા મળતી હતી અને એક બીજાને મળવું હોય તો એમ કહેતા કે, મેળો આવે છે ત્યારે ભેગા થઇશું અને મળીશું.
![આ વર્ષે 1283મી વખત યોજાશે મેળો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-09-2024/gj-kutch-03-yaksh-mela-video-story-7209751_19092024131439_1909f_1726731879_996.jpg)
1283મી વખત મેળો ભરાશે: કચ્છનો મોટામાં મોટો મોટાયક્ષનો મેળો અને મીની તરણેતરનો મેળો બ્રિટિશશાહી, રાજાશાહી તેમજ લોકશાહીથી ચાલ્યો આવે છે. જે આગામી રવિવારથી બુધવાર સુધી એમ ચાર દિવસ ચાલશે, અને આ મેળો 1283મી વખત ભરાશે. 4 સુધી દિવસ ચાલતા આ મોટાયક્ષના મેળામાં લાખોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટે છે તો સાથે જ હજારો લોકોને રોજગારી પણ મળે છે. ખાણીપીણીથી માંડીને મનોરંજનની વ્યવસ્થા પ્રવાસીઓ માટે અહીં કરવામાં આવે છે. તો સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ સ્વાસ્થ્ય માટે આરોગ્ય સેવા પણ અહી તૈનાત કરવામાં આવે છે. મોટા મોટા મહાનગરોમાં મેળાની વ્યવસ્થા નથી હોતી તેવી આ નાના ગામના મેળામાં ઊભી કરવામાં આવતી હોય છે.
આ પણ વાંચો: