ભાવનગર : ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી લાવવાને લઈને મંજૂરી આપવાની સાથે જ 23 તારીખની રાત્રે અઢી લાખ કરતા વધારે ગુણીની આવક થવા પામી છે. જેને પગલે ભાવનગરનું મુખ્ય યાર્ડ તેમજ નારી ચોકડી પાસે બનાવેલું સબ યાર્ડ છલકાઈ ગયા છે. જો કે ભાવ ઉપર તેની અસર જોવા મળી નથી. પરંતુ ભાવનગર માર્કેટિંગ યાર્ડ માટે અને વ્યાપારીઓ માટે ખરીદ શક્તિ ઓછી થઈ ગઈ છે. અન્ય ખેડૂતોને બીજા આદેશ સુધી ડુંગળી ન લાવવા માટે જણાવવામાં આવ્યું છે.
એક રાતમાં ડુંગળી અધધધ આવી પછી શું થયું : ભાવનગર શહેરમાં 23 તારીખની રાત્રે જ ખેડૂતો ડુંગળી લઈને ભાવનગર માર્કેટિંગ યાર્ડએ પહોંચી ગયા હતા. ભાવનગર માર્કેટિંગ યાર્ડની બહાર નારી ચોકડી તરફ, ફુલસર તરફ અને મસ્તરામ બાપા તરફના ત્રણેય રસ્તા ઉપર ડુંગળી ભરેલા વાહનોની લાંબી લાઈનો લાગી હતી. માર્કેટિંગ યાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરી અરવિંદભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે અત્યારે અમે જાહેરાત કરતા જ એક રાતમાં અઢીથી પોણા ત્રણ લાખ ગુણીની આવક થઈ છે. જેમાં ભાવનગર મુખ્ય અને નારી ચોકડી ખાતે બનાવેલા સબયાર્ડ ભરચક થઈ ગયા છે.
યાર્ડ છલકાતા ખરીદ શક્તિ પાછી પડી ગઈ : ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં એક રાતમાં આવેલી અઢી લાખ કરતા વધુ ડુંગળીની આવકને પગલે ડુંગળીની વેપારીઓની ખરીદ શક્તિ ઉપર સીધી અસર થઈ છે.
ભાવનગર માર્કેટિંગ યાર્ડની રોજની ખરીદીની શક્તિ 45000 ગુણીની છે. અગાઉ અન્ય રાજ્યોમાં બિહાર ઉત્તરપ્રદેશ જ્યારે માંગ રહેતી હોય છે ત્યારે 70 થી 80,000 ગુણીની માંગને પગલે ખરીદશક્તિ વ્યાપારીઓની રહેતી હોય છે. પરંતુ હાલ ઉતરના રાજ્યોમાં ધુમ્મસ હોવાને પગલે કોઈપણ પ્રકારની માંગ નહીં હોવાને કારણે હાલની ખરીદશક્તિ રોજની 45000 ગુણીની છે. આથી ખેડૂતોને અમે બીજો આદેશ ન મળે ત્યાં સુધી ડુંગળી નહીં લાવવા માટે જણાવ્યું છે, કારણ કે ડુંગળી લાવ્યા બાદ તેને ચારથી પાંચ દિવસ રાખી મૂકવી પડે તેવી સ્થિતિ છે. હાલમાં અઢી લાખ ગુણીને પણ વેચાણ કરવામાં છ થી સાત દિવસનો સમય લાગશે...અરવિંદ ચૌહાણ (માર્કેટિંગ યાર્ડ ઇન્ચાર્જ સેક્રેટરી )
યાર્ડમાં અઢી લાખ ગુણીની આવકથી ભાવ શું રહ્યાં : ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં નિયત સમય પ્રમાણે સવારે હરાજીનો પ્રારંભ થયો હતો. ભાવનગરનો મુખ્ય યાર્ડ અને નારી ચોકડીના સબયાર્ડમાં આવેલી ડુંગળીની ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. માર્કેટિંગ યાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરી અરવિંદભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે હાલમાં ડુંગળીના ભાવ 150 થી લઈને 300 રૂપિયાની વચ્ચે રહેવા પામ્યા છે. જો કે ડુંગળીની આવક ખૂબ થઈ છે. પરંતુ ભાવ સ્થિર રહેવા પામ્યા છે. જેની અસર બજાર ઉપર થઈ નથી.જો કે થોડા દિવસો પહેલા તળાજા માર્કેટિંગ યાર્ડમાં 100 થી નીચે ભાવ જતા ખેડૂતોએ દેકારો કર્યો હતો. પરંતુ અહીંયા ભાવનગર ભાવ સ્થિર રહ્યા છે.