ભાવનગર : ચોમાસા બાદ રોગચાળાએ માથું ઉચક્યું છે, જોકે ભાવનગર મહાનગરપાલિકાના ચોપડે ડેન્ગ્યુનો એક પણ કેસ નોંધાયો નથી. આમ છતાં લોકોના જણાવ્યા અનુસાર ક્યાંકને ક્યાંક ડેન્ગ્યુના કેસ જોવા મળ્યા રહ્યા છે. એક બાજુ મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, ત્યારે પોરાનાશક કામગીરી કેટલી સટીક થાય છે તે અંગે ચકાસણી કરતા વિપરીત દ્રશ્ય સામે આવ્યુ છે. જુઓ તંત્ર અને નાગરિકોના તદ્દન વિરોધાભાસી મંતવ્ય...
- દાવો :
ભાવનગર શહેરના બોતળા વિસ્તારમાં રહેતા પાઠક પરિવારની અમે મુલાકાત લીધી હતી. અનિરુદ્ધ પાઠકે જણાવ્યું હતું કે, ચોમાસામાં રોગચાળો વધારે હોય છે, જે મચ્છરોના ઉપદ્રવને કારણે થાય છે. મચ્છરજન્ય, માખી જન્ય રોગોનું પ્રમાણ વધતું હોય છે. આવા સંજોગોમાં આરોગ્ય વિભાગે ઘણા સારા પગલાં લેવા જોઈએ અને આગોતરું આયોજન કરવું જોઈએ...
- વાસ્તવિકતા :
પણ વાસ્તવિક સ્થિતિ વિપરીત છે. પહેલા તો પોરાનાશક માટે દવા નાખવા આવતા હતા. એ પણ છેલ્લા આશરે એકાદ-બે મહિનાથી આવતા નથી અને મચ્છરોનું પ્રમાણ વધ્યું છે. આપણે વર્તમાન પત્ર, સોશિયલ મીડિયાના માધ્યમથી જાણીએ છીએ, અન્ય શહેરોની જેમ ક્યાંક ક્યાંક અહીં પણ ડેગ્યુના કેસો હોય એવું સંભળાય છે. આ માટેના પગલાં લઈને રોગચાળો વકરે નહીં તથા લોકોનું આરોગ્ય અને જન સુખાકારી જળવાઈ રહે તે માટેનું આયોજન કરી અને આરોગ્ય વિભાગે અસરકારક પગલાં લેવા જોઈએ.
મચ્છરોનો ઉપદ્રવ વધ્યો : ક્રિષ્નાબેન પાઠકે જણાવ્યું હતું કે, હમણાં ઘણા સમયથી આરોગ્ય ટીમ આવતી નથી, જેને કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. બે મહિના પહેલા પોરાનાશક દવાનો છંટકાવ કરનાર બહેનો આવતા હતા. પરંતુ છેલ્લા એક-દોઢ માસથી આ બહેનો આવ્યા નથી. હાલ ઘરમાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે.
"ડેન્ગ્યુ નથી" નો દાવો કેટલો સાચો ?
ભાવનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગના અધિકારી આર. કે. સિંહાએ જણાવ્યું કે, ભાવનગરમાં પોરાનાશકની કામગીરી દર વર્ષે મે માસમાં શરૂ કરીએ છીએ. હાલ ડેન્ગ્યુ, ચિકનગુનિયા વગેરે બધા જ કંટ્રોલમાં છે. આ વર્ષમાં ડેન્ગ્યુના 20 કેસ છે. જેમાં ઓગસ્ટમાં 7 અને જુલાઈમાં 5 અને એની પહેલા 8 કેસ છે. સાથે જ ચિકનગુનિયાના 2 કેસ અને મેલેરિયાના 6 કેસ છે. સપ્ટેમ્બરમાં ડેન્ગ્યુના કેસ નથી. પોરાનાશક માટે આપણે ત્યાં 300 જેટલા લિંક વર્કર બહેનો અને આશા વર્કર કામ કરે છે. વાર્ષિક પચાસ લાખ જેવો ખર્ચ તેની પાછળ થાય છે.
મનપાની કામગીરી : આર. કે. સિંહાએ વધુમાં જણાવ્યું કે, તમામ પ્રાઈવેટ ડોક્ટરો અમને રિપોર્ટ કરે છે. તેમના રિપોર્ટ લઈને અમે મેડિકલ કોલેજમાં સીરમ કરાવીએ છીએ. ત્યાંથી પરિણામ આવ્યા બાદ ડેન્ગ્યુ હોય તો જાહેર કરીએ છીએ. જાહેર રસ્તા ઉપર દવાનો છંટકાવ સોલિડ વેસ્ટ વિભાગ કરે છે. પરંતુ ક્યાંય ખાબોચિયા અને પાણીના ભરાયા હોય ત્યાં અમે દવા છંટકાવનું કામ કરીએ છીએ.