ભાવનગર : આવતીકાલ રવિવાર અષાઢી બીજના રોજ ભારતભરમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. ભાવનગર શહેરમાં પણ જગન્નાથ મંદિરથી સવારે 8 કલાકે રથયાત્રાનો પ્રારંભ થવાનો છે. પોલીસ કાફલા વચ્ચે નીકળનાર રથયાત્રાના 17.5 કિમીના રુટ પર પોલીસની ચાંપતી નજર રહેવાની છે. રથયાત્રાના પ્રસ્થાનથી સમાપન સુધીની વ્યવસ્થાની જાણકારી જુઓ ETV BHARAT ના આ અહેવાલમાં...
ભગવાનની પહિંદ વિધિ : ભાવનગર શહેરમાં સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતે મહારાજા, ધારાસભ્યો અને રથયાત્રા સમિતિની અધ્યક્ષતામાં પૂજા અર્ચના કરવામાં આવશે. તેમજ મહારાજાના હસ્તે પહિંદ વિધિ એટલે ભગવાનને રથમાં બેસાડ્યા બાદ સોનાના સાવરણાથી સફાઈ કરવામાં આવશે. ત્યારબાદ સાધુ સંતોની ઉપસ્થિતિમાં ધર્મસભાનું આયોજન કરાશે અને 8 કલાકે રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવશે.
રથયાત્રાનો 17.5 કિમી રુટ : ભાવનગર શહેરમાં રથયાત્રાનો પ્રારંભ સુભાષનગરથી થશે. ત્યારબાદ યાત્રા મહિલા કોલેજ સર્કલ, ઘોઘા સર્કલ, શિવાજી સર્કલ, ભરતનગરથી સિન્ધુનગર (સરદારનગર), સંસ્કાર મંડળ, પરિમલ, સેન્ટ્રલ સોલ્ટ, વાઘાવાડી, કાળાનાળા, જેલરોડ, નિલમબાગ, નિર્મળનગર, ચાવડીગેટ, પાનવાડી, જશોનાથ સર્કલ, તળાવથી ઘોઘાગેટ ચોક, ખારગેટ, બાર્ટન લાઈબ્રેરીથી હલુરીયા ચોક, ક્રેસન્ટ સર્કલ, ડોન ચોક પહોંચશે. ત્યાંથી મહિલા કોલેજ સર્કલ અને બાદમાં સુભાષનગર નીજ મંદિરે રથયાત્રાનું સમાપન થશે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત : સુભાષનગરથી પ્રસ્થાન થતી રથયાત્રામાં આગળ પહેલા 80 જેટલા ટ્રક, 6 ટ્રેકટર, 5 છકરડા અને આગળ અખાડા અને કરતબબાજ હોય છે. આશરે 3 કિલોમીટર લાંબી રથયાત્રાના અંતમાં ભગવાનનો રથ હશે. બંદોબસ્તમાં 12 ટાવર, SRP ની 5 કંપની, RAFની 1 કંપની, 12 ડીવાયએસપી, 41 પીઆઇ, 112 પીએસઆઇ, 1850 પોલીસ કર્મચારી, 1516 હોમગાર્ડ જવાન, 116 સીસીટીવી, 25 વિડીયોગ્રાફર, 5 ડ્રોન સહિત ધાબા પોઇન્ટ સાથે પોલીસે વ્યવસ્થાનું આયોજન ગોઠવી દીધું છે, જે રથયાત્રાના દિવસે પોતાના સ્થળ ઉપર તૈનાત રહેશે.