ભરુચઃ એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન, ભાડભૂત બેરેજ જેવી યોજનાઓમાં જમીનના યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતોએ ભરુચ કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવ્યો હતો. જમીન ગુમાવનાર ખેડૂતો લાંબા સમયથી વળતરની રકમને લઈ આંદોલનના માર્ગે વળ્યાં છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે મીટિંગ કરવા છતાં પણ સમસ્યાનો ઉકેલ ન આવતા હવે વિવાદ વધુ વકર્યો છે.
56મુ આવેદન પત્રઃ ખેડૂતો અપેક્ષિત વળતરની માંગણીને લઈ મક્કમ છે તો સરકાર પણ કોઈપણ સંજોગોમાં વહેલી તકે એક્સપ્રેસ વે ની કામગીરી પૂર્ણ કરવાના મૂડમાં છે. સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવા આજે મોટી સંખ્યામાં ખેડૂતો ભરૂચ જિલ્લા કલેકટર કચેરીના પટાંગણમાં ભેગા થઈ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને 56મુ આવેદન પત્ર કલેકટર ને સુપ્રત કર્યું હતું.
લોકસભા ચૂંટણી બહિષ્કારની ચીમકીઃ ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, જિલ્લાના સ્થાનિક નેતાઓ અને અધિકારીઓએ વળતર બાબતે ખેડૂતોને અત્યાર સુધી માત્ર લોલીપોપ જ આપી છે. લોકસભા ચૂંટણી ટાણે ખેડૂતોનો અવાજ વડાપ્રધાન સુધી પહોંચે તે માટે આજે કલેકટર કચેરીના પટાંગણમાં હાંસોટ, આમોદ, ભરૂચ તાલુકાના મોટી સંખ્યામાં ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. જેમાં થાળી અને જુંજનું વગાડવામાં આવ્યું તેમજ એક્સપ્રેસ વેમાં સુરત, નવસારી અને વલસાડ જેટલું વળતર ભરૂચને મળે તે માંગ ઉચ્ચારી હતી. ખેડૂતોએ 56મું આવેદનપત્ર પાઠવી માંગ પૂરી નહિ થાય તો આવનારી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
હું અમોદનો ખેડૂત છું, અમારી જમીન એક્સપ્રેસ વેમાં ગઈ છે. જેના વળતર અંગે અમે 55 વાર આવેદન પત્ર આપેલ છે અને આજરોજ 56ની છાતી વાળા દેશના વડપ્રધાન નરેન્દ્ર મોદીને અને સરકારને 56મુ આવેદન પત્ર આપી રહ્યા છે. જો અમારી માંગ પૂરી નહિ કરવામાં આવે તો આવનારી લોકસભાની ચૂંટણીઓ બહિષ્કાર કરીશું...સુભાષભાઈ(ખેડૂત, ભરુચ)
2 વર્ષોથી અમે વળતર મટે આંદોલનો ચલાવી રહ્યા છે. તેમ છતાં પણ સરકાર કોઈપણ પ્રકારના વળતર અંગેની માંગ સ્વીકારતી નથી. જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે ખેડૂતોને લોલીપોપ આપે છે અને ખેડૂતોને ઉલ્લુ બનાવી જાય છે. આજે 56મુ આવેદન પત્ર ભરૂચ જિલ્લાના કલેક્ટરને આપવા માટે આવ્યા છે. આવનાર સમયમાં અમારા વળતર અંગેના પ્રશ્નોનું નિરાકરણ નહિ આવે તો અમે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું...કનુ પટેલ(ખેડૂત, ભરુચ)