સુરતઃ છેલ્લા કેટલાક દિવસોથી ભારત જોડો ન્યાય યાત્રા સંદર્ભે ગુજરાત કોંગ્રેસમાં સળવળાટ જોવા મળી રહ્યો છે. વધુમાં વધુ લોકો આ ન્યાય યાત્રામાં જોડાય તે માટેના પ્રયાસો કરી રહ્યા છે. રાહુલ ગાંધીની આ ભારત જોડો ન્યાય યાત્રા સુરત જિલ્લામાં પણ આગામી 9 માર્ચે પ્રવેશ કરશે અને માંગરોળ,ઝંખવાવ, માંડવી અને બારડોલી સહિતના વિસ્તારોમાં ફરશે. જેમાં કોંગ્રેસના ટોચના નેતાઓ સહિત સ્થાનિક નેતાઓ અને કાર્યકરો જોડાશે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા સંદર્ભે 'કોંગ્રેસ પુત્ર' ઉત્તમ પરમારે ETV BHARAT સાથે કરી ખાસ વાતચીત કરી છે.
હું એક 'કોંગ્રેસ પુત્ર' છું-ઉત્તમ પરમારઃ ઉત્તમ પરમારે જણાવ્યું હતું કે, હું કોંગ્રેસમાં ક્યારેય જોડાયો નથી. કોંગ્રેસનો ક્યારેય સભ્ય પણ બન્યો નથી પરંતુ મારી નાગરિક અધિકારોની જન્મ જ્ઞાતિ કોંગ્રેસ હોવાને કારણે મારી જાતને હું 'કોંગ્રેસ પુત્ર' ગણાવું છું. રાહુલ ગાંધીની પદયાત્રાને સમજવા પહેલા આપણે સમજવું પડશે કે ભારતીય રાજકારણ અને ભારતીય સમાજ વ્યવસ્થામાં એક સંક્રાંતિ થઈ રહી છે. કોંગ્રેસ પણ સંક્રાંતિ કાળમાંથી પસાર થઈ રહી છે.
રાજકારણ એ 'ઈલેક્ટ્રોન પોલિટિક્સ' નથીઃ સામાન્ય રીતે આપણે ત્યાં આઝાદીના 75 વર્ષ પછી પણ આપણા રાજકીય પક્ષો એ રાજકારણને ઈલેક્ટ્રોલ પોલિટિક્સનો વિષય સમજે છે. હકીકતમાં બિલકુલ ભૂલભરેલી માન્યતા છે. રાજકારણ એટલે કે પોલિટિક્સનો અર્થ થાય છે દરેક વ્યક્તિનું આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને રાજકીય મૂલ્ય. આ મૂલ્યને રાહુલ ગાંધી પ્રસ્થાપિત કરવા માંગે છે. રાહુલ ગાંધી અને એમની બંને યાત્રાઓ એ સાચું પોલિટિક્સ કોને કહેવાય તેનું પ્રેઝન્ટેશન કરે છે. કોમી ભાઈચારો અને જાતિનોની વચ્ચે સમાન વ્યવહાર સ્થાપિત કરવા માટે લડવું જોઈએ અને રાહુલ ગાંધીએ કરી રહ્યા છે. રાહુલ ગાંધીના પ્રત્યેક વ્યાખ્યાનની અંદર એ ઓબીસીના અને આદિવાસીઓના ન્યાયની વાત કરે છે.
ETV BHARAT: આ યાત્રાની સુરત જિલ્લામાં કેટલી અસર થશે?
'કોંગ્રેસ પુત્ર' ઉત્તમ પરમારઃ સુરત જિલ્લામાં નહીં સમગ્ર દેશમાં અને વિશ્વમાં એની અસર પડી રહી છે. સમગ્ર દેશના અને વિશ્વના રાજકારણીઓને એક સંદેશ પહોંચી ગયો છે કે, સુરત જિલ્લાના રાજકીય કાર્યકરોએ કોંગ્રેસના હોય કે ભાજપના હોય કે પછી કોઈ પણ પક્ષના હોય એમને લોકોની વચ્ચે લોક શિક્ષણ, લોક આંદોલન અને લોક પ્રશિક્ષણ કરવું જોઈએ. આ રાહુલ ગાંધીનો સંદેશ છે. રાહુલ ગાંધી આખા રાજકારણમાં ક્રાંતિ કરી રહ્યા છે. જ્યારે ભાજપ કે આરએસએસ વાળા એ મત અધિકાર અને જનાધિકારને લૂંટીને અને ખરીદીને પોતાની સત્તા સ્થાપિત કરવા માંગે છે. રાહુલ ગાંધી લોકાધારને કેળવીને પોતાનું વ્યક્તિત્વ સિદ્ધ કરવા માંગે છે. એમને રાજકીય સત્તા સાથે કોઈ નિસ્બત નથી. આ માણસ મુઠ્ઠી ઉચારો અને દીર્ઘદ્રષ્ટિ વાળો છે. મહાત્મા ગાંધી પછી આ પહેલું નેતૃત્વ છે કે જે ભારતીય સંસ્કૃતિના રિબાતા આત્માને સાચી રીતે સમજી શક્યો છે એટલે હું તો આવનારા દિવસોમાં રાહુલ ગાંધીને લોક નાયક તરીકે પ્રસ્થાપિત કરું છું. હંમેશા જ્યારે રાહુલ ગાંધી વિશે બોલવાનું હોય છે ત્યારે હું કહું છું કે, આ લોક નાયક છે આ કોઈ સામાન્ય રાજકારણી નથી. જે લોકો ઈમરજન્સીમાં કોંગ્રેસના વિરોધી હતા એમાં આરએસએસને બાદ કરતાં બધા જ લોકો અત્યારે રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરી ચૂક્યા છે અને તેના માટેની આ યાત્રા છે.
ETV BHARAT: રામનું નામ આગળ ધરી ઘણા નેતાઓ રાજીનામા આપી રહ્યા છે, તેના પર શું કહેશો?
'કોંગ્રેસ પુત્ર' ઉત્તમ પરમારઃ કોંગ્રેસના કાર્યકરનો ભગવાન એ દરેક વ્યક્તિમાં અને નારાયણના હૃદયમાં બેઠેલો રામ એ કોંગ્રેસનો રામ છે. અયોધ્યાના રામના માટે જેને આસ્થા હોય તે ત્યાં ભલે જાય એનો કોંગ્રેસ કદી વિરોધ કરતી નથી. જેમને સત્તા વગર રહેવાતું નથી અને વિપક્ષમાં બેસતા જેમને અકળામણ થાય છે એવા કોંગ્રેસ છોડતી વખતે કે બીજા ભયભીત માનસિકતાને કારણે કોંગ્રેસ છોડી રહ્યા છે. લાલચને કારણે કોંગ્રેસ છોડી રહ્યા છે. કેટલાક માત્ર ને માત્ર પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવવા માટે કોંગ્રેસમાં જે લોકો રહેતા હતા એ લોકો બધા કોંગ્રેસમાંથી બહાર નીકળી રહ્યા છે.