ભરુચઃ જિલ્લાના નેત્રંગ ખાતે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા સંદર્ભે 9 તારીખના રોજ બપોરના 3 કલાકે જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઈન્ડિયા અલાયન્સના આપ પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા પોતાના સમર્થકો સાથે જોડાશે. આ યાત્રામાં મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ પણ જોડાઈ શકે છે.
મોવી ચોકડીથી યાત્રા પ્રવેશસેઃ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા નર્મદામાંથી ભરૂચ જિલ્લાના મોવી ચોકડી ખાતેથી બપોરે 2:30 પ્રવેશ કરશે. મોવી ચોકડી ખાતે ન્યાય યાત્રાનું અને રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવશે. મોવી ચોકડીથી ન્યાય યાત્રા નેત્રંગ તરફ આગળ વધશે. આ યાત્રા નેત્રંગ ચોકડી પર બપોરે 3 કલાકે આવી પોહચશે.
રાહુલ ગાંધી સાથે બેઠકોઃ નેત્રંગમાં રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના નેતાઓ બેઠકો કરશે. આ યાત્રા દરમિયાન આપના દેડીયાપાડા વિધાનસભાના ધારાસભ્ય અને ઈન્ડિયા ગઠબંધનના ભરુચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવા પણ રાહુલ ગાંધી સાથે બેઠક કરશે. આ યાત્રામાં ગુજરાતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ જોડાશે. જેમાં શક્તિ સિંહ ગોહિલ, જગદીશ ઠાકોર, સુલેમાન પટેલ, ભરૂચ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શેરખાન પઠાણ, પરીમલ સિંહ રણા અને ભરૂચ જિલ્લાના કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાશે. રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં સ્વ.અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ અને પુત્ર ફૈઝલ પટેલ પણ જોડાઈ શકે છે. મુમતાઝ પટેલ સાથેની ટેલીફોનિક વાતચીતમાં તેણીએ જણાવ્યું હતું કે, ન્યાય યાત્રામાં હુ ચોક્કસ જોડાવાની છું. કોઈ ચોક્કસ સમય અને સ્થળ સાથે નક્કી કર્યા પછી જોડાઈશ.
ચૈતર વસાવા માટે ફાયદાની રણનીતિઃ રાહુલ ગાંધીની યાત્રા ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આવવાની છે. આ વિસ્તારમાં આદિવાસી મતદારો સૌથી વધુ છે. જેને લઇને આદિવાસી મતદારોને રીઝવવા અને લોકસભાની ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને ફાયદો કરાવવાની રણનીતિ કોંગ્રેસની હોઈ શકે છે. ભરૂચમાં કેટલાક કોંગ્રસના આગેવાનો અને કાર્યકર્તા નારાજ છે તેઓની પણ નારાજગી આ યાત્રાથી દૂર થશે. કોંગ્રેસના તમામ લોકો ચૈતર વસાવાને જીતાડવા માટે કામે લાગી જશે.
ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્ર સિંહ રાણાએ જણાવ્યું હતું કે, નેત્રંગ ખાતે રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં લાખોની સંખ્યામાં લોકો જોડાવાના છે અને સભામાં પણ લાખોની સંખ્યામાં લોકો હાજર રહેશે. ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા પણ પોતાના કાર્યકર્તાઓ સાથે જોડાશે. સાથે સાથે મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ પણ જોડાઈ શકે છે. નેત્રંગ ખાતેની સભા પૂર્ણ કરીને રાહુલ ગાંધીની યાત્રા સુરત જિલ્લામાં જવા માટે પ્રસ્થાન કરશે અને સુરત જિલ્લામાં રાત્રે પ્રવેશ કરશે.