તાપી : લોકસભા ચૂંટણી 2024 નું બ્યુગલ વાગી ચૂક્યા છે. બીજી તરફ રાજકીય પક્ષોએ પણ હવે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. ત્યારે 23 બારડોલી લોકસભા બેઠક પર કોંગ્રેસે સિદ્ધાર્થ ચૌધરીને ઉમેદવાર જાહેર કર્યા છે. વ્યારા ખાતે કોંગ્રેસના ધારાસભ્ય ડો. તુષાર ચૌધરીના હસ્તે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસ મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન : લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. બીજી તરફ રાજકીય પક્ષોના ઉમેદવારો પણ જાહેર થઈ ચૂક્યા છે અને ઉમેદવારો પણ હવે ચૂંટણી પ્રચારમાં જોતરાઈ ગયા છે. ત્યારે 23 બારડોલી લોકસભા બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે ચૂંટણીનો સીધો જંગ ખેલાશે. આજે વ્યારા ખાતે કોંગ્રેસ દ્વારા 23 બારડોલી લોકસભા બેઠકના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા.
ત્રણ આગેવાનોની ઘરવાપસી : વ્યારા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ભાજપના ત્રણ હોદ્દેદારો ઘર વાપસી કરી ફરી કોંગ્રેસમાં જોડાયા હતા. તાપી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને વર્ષ 2017માં ભાજપ તરફથી ધારાસભ્યની ચૂંટણી લડી ચૂકેલા અરવિંદ ચૌધરી, વ્યારા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી કેવજી ચૌધરી અને ભાજપ તાલુકા સંગઠનના હોદ્દેદાર મનીષ ગામીત કોંગ્રેસમાં જોડાયા હતાં. પૂર્વ ધારાસભ્ય પુનાજી ગામીત અને આનંદ ચૌધરી, સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનહર પટેલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
તુષાર ચૌધરીના સત્તાપક્ષ પર આક્ષેપ : કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ડો.તુષાર ચૌધરી જણાવ્યું હતું કે, આજરોજ 23 લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા ઘોષિત લોકલાડીલા ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીના મધ્યસ્થ કાર્યાલયનો ઉદઘાટન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આમ જોવા જઈએ તો છેલ્લા 10 વર્ષમાં સાંસદ સભ્યની કામગીરી તદ્દન નિષ્ક્રિય રહ્યી છે. કેન્દ્ર સરકારને લગતી અહીંયા તાપી પારની સમસ્યા હોય, વેદાંતા જિંક પ્રોજેક્ટ આવવાની વાત હોય, ભારતમાલા પ્રોજેક્ટની વાત, જેના કારણે આદિવાસીઓની જમીન જવાનો અને વિસ્થાપનનો ભય છે. એવા ગંભીર પ્રશ્નો બાબતે પણ આ સાંસદે દિલ્હી સંસદમાં જે રજૂઆત કરવી જોઈએ એવી કોઈ પણ રજૂઆત કરી નથી. તેનાથી પ્રજામાં નારાજગી જોવા મળી રહી છે.
સિદ્ધાર્થ ચૌધરીના ભાજપ પર પ્રહાર : 23 બારડોલી લોકસભા બેઠકના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારમાં જે અત્યારે મિટિંગમાં વાત કરી અને રેકોર્ડ ઉપર છે, તેમાં સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ શિક્ષણની છે. ખાસ કરીને શિક્ષણનો મુદ્દો છે, સાથે સાથે જેટલા પણ યુવાનો ભણીને નીકળે છે તેમના માટે બેરોજગારીનો મોટો પ્રશ્ન છે. ભરતી મેળો પાર્ટીમાં થાય છે, પરંતુ નોકરીઓમાં ભરતી થતી નથી. એટલે ખૂબ જ ગંભીર સમસ્યા એવી બેરોજગારીને લઈને અમે બધાની વચ્ચે આવ્યા છીએ.