બનાસકાંઠા: જિલ્લાના કાંકરેજ તાલુકાના થરામાં શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. અંગેજી વિષયના ટેસ્ટમાં માર્ક્સ ઓછા આવતા વિદ્યાર્થીઓને સોટીથી ફટકાર્યા હોવાની ફરિયાદ થરા પોલીસ મથકે નોંધાતા હાલમાં શિક્ષક ફરાર થઈ ગયો છે.
શિશુમંદિર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક વિશાલ ખરાડી દ્વારા ધોરણ 6ના વિદ્યાર્થીઓનો ટેસ્ટ લેવામાં આવ્યો હતો. આ ટેસ્ટમાં બાળકોના માર્ક્સ ઓછા આવતા 9 બાળકોને સોટી દ્વારા મારવામાં આવ્યો હતો. બાળકોને માર મારતા બાળકોના પગ ઉપર સોળ ઉઠી ગયા હતા. જોકે બાળકો ઘરે પહોંચતા વાલીઓને સમગ્ર મામલાની જાણ કરી હતી, ત્યારે વાલીઓએ આ મામલે શિક્ષક સામે થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
પીડિત બાળકના વાલી સેધાજી ઠાકોરે કહ્યું કે, "મારો બાળક થરાની શિશુમંદિર શાળામાં ધોરણ 6માં અભ્યાસ કરે છે. જેમના શિક્ષક વિશાલ ખરાડીએ અંગ્રેજી વિષયનો ટેસ્ટ લીધો હતો. આ ટેસ્ટમાં માર્ક્સ ઓછા આવતા શિક્ષક દ્વારા સોટીથી માર મારવામાં આવ્યો હતો. બાળક લથડીયા ખાઈને નીચે પડી ગયો તેમ છતાં માર્યા બાદ પણ અંગુઠા પકડાવ્યા હતા અને નિર્દયતા પૂર્વક બાળકને સજા આપવામાં આવી હતી. આ બાદ અમે શાળામાં પહોંચ્યા હતા, પરંતુ સંતોષકારક જવાબ ના મળતા આખરે શિક્ષક સામે પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ નોંધાવી છે."
જોકે બીજા વાલીએ પોતાના બાળકને માર મારવા બાબતે કહ્યું કે, "બાળકોને ધાબા પર લઈ જઈને મારવામાં આવ્યા છે. શિક્ષક બાળકોને મારતો હતો ત્યારે અન્ય શિક્ષકોએ કશું જ કહ્યું ન હતું. આ બાબતે અમે શાળામાં પણ ગયા હતા પરંતુ શિક્ષક મળ્યા ન હતા. આ અંગે અમે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને હાલ બાળકોને સારવાર માટે હોસ્પિટલ લઈને આવ્યા છીએ."
આમ, અંગ્રેજી વિષયના ટેસ્ટમાં વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ આવતા ધોરણ 6ના શિક્ષકે પિત્તો ગુમાવ્યો હતો. તે બાદ તેને સોટી દ્વારા વિદ્યાર્થીઓને મારવાના આક્ષેપો સાથેની ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે શિક્ષક ટેસ્ટમાં વધુ માર્ક્સ આવે તે માટે બાળકોને મહેનત કરાવવાની જગ્યાએ કે અન્ય કોઈ શિક્ષા આપવાના બદલે બાળકો પર સોટી લઈને તૂટી પડ્યા હતા. શિક્ષક સામે બાળકોને મારવાની ફરિયાદ નોંધાતા જ તે શાળા છોડી હાલતો ફરાર થઈ ગયા છે. જોકે બીજી તરફ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને શિક્ષક સામે આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
આ અંગે થરા પોલીસના પીઆઈને ટેલીફોનિક વાત કરતા તેમણે કહ્યું હતું કે, "વિદ્યાર્થીઓને મારવા બદલ શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે જોકે હાલમાં શિક્ષક મળી આવ્યો નથી પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ ચાલુ છે."
આ પણ વાંચો: