સુરત: સમગ્ર દેશમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ સુરત શહેરમાં પણ ગરમી સતત વધી રહી છે. સુરતમાં 41 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જતાં સુરતીઓ ગરમીથી ત્રાસી ગયા છે. ઘરની બહાર કામકાજ માટે નીકળતા લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે તો બીજી બાજુ વાહન ચાલકોને સિગ્નલ પાસે ઊભા રહેવામાં ભારે તકલીફ થઈ રહી છે.
10 ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન નેટના મંડપ: હવામાન વિભાગની માહિતી અનુસાર, રાજ્યના કેટલાક શહેરોમાં 40 થી લઈને 45 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાઈ રહ્યું છે. તેથી ગરમીના કારણે મોટાભાગના લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. પરંતુ કામકાજ અર્થે નીકળતા લોકો ગરમીથી ત્રાસી ગયા છે. ઉપરાંત શહેરમાં અલગ-અલગ જગ્યાએ ટ્રાફિક સિગ્નલમાં ફરજિયાત પણે વાહન ચાલકોએ ઉભા રહેવાની ફરજ પડે છે. ત્યારે બાઈક પર જતા વાહનચાલકોને ગરમીમાં શેકાવાનો વારો આવ્યો છે. પરંતુ આ સમસ્યાના ઉકેલ તરીકે પોલીસ દ્વારા માનવીય અભિગમ અપનાવતા ટ્રાફિક સિગ્નલ ઉપર ગ્રીન નેટના મંડપ નાખવામાં આવી રહ્યા છે. જેથી કરીને વાહન ચાલકોને રાહત મળી શકે. હાલમાં 10 ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન નેટના મંડપ નાખવામાં આવ્યા છે. હજી વધારે સિગ્નલો પર મંડપ નાખવાના પ્રયત્નો થઈ રહ્યા છે.
રમીથી રાહત મળશે: વાહન ચાલકો જ્યારે પોતાના કામકાજ માટે બહાર નીકળતા હોય છે ત્યારે શહેરના અલગ અલગ ટ્રાફિક સિગ્નલ ઉપર એક મિનિટ કરતાં વધારે સમય સુધી ઉભા રહેવું પડે છે. ગરમીમાં વાહન ચાલકો પહેલાથી જ ખૂબ જ આકરી ગરમી વેઠી રહ્યા હોય છે એવી પરિસ્થિતિમાં ટ્રાફિક સિગ્નલ ઉપર તડકામાં ઉભા રહેવું ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે. આવી સ્થિતિમાં સુરત પોલીસ દ્વારા ગ્રીન નેટ લગાવવાથી ટ્રાફિક સિગ્નલ ઉપર જે થોડા સમય માટે વાહન ચાલકોએ ઊભા રહેવાની ફરજ પડે છે, ત્યાં તેમને ગરમીથી રાહત મળશે. આ પ્રયોગ ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે.
વ્યવસ્થાની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યા છે: ટ્રાફિક શાખાના પીઆઈ જે.એન સોલંકી એ જણાવ્યું કે, સર્કલ પાસે ખૂબ જ ટ્રાફિક રહેતો હોય છે. જેથી લોકોને આ કાળજાળ ગરમીમાં રાહત મળે તે માટે મંડપની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવેલ આ વ્યવસ્થાની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યા છે.