મહીસાગર: જિલ્લામાં ચાંદીપુરાનો વધુ એક શંકાસ્પદ કેસ આવ્યો સામે આવ્યો છે. લુણાવાડા તાલુકાના પાલ્લા ગામે ચાંદિપુરાનો શંકાસ્પદ કેસ જોવા મળ્યો છે. પાલ્લા ગામની એક બાળકીને શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો જણાતા બાળકીને સારવાર અર્થે વડોદરા ખાતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા મેલેથ્યન પાવડરનું ડસ્ટીગનું છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. મહીસાગર જીલ્લામાં કુલ 2 જેટલાં શંકાસ્પદ ચાંદીપુરાના કેસ જોવા મળ્યા છે, જેમાં 1 બાળકીનું મોત નિપજ્યું છે.
ચાંદીપુરા કેસને લઈ મહીસાગર જિલ્લા વિકાસ અધિકારીએ 9925785955 હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. અને જિલ્લામાં કોઈ પણ જગ્યાએ નાના બાળકોને તાવ, ઝાડા, ઉલટી માંથામાં દુખાવો જેવા લક્ષણો દેખાતા હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા કરી અપીલ કરી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની ડેસ્ટીંગથી લઈ તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તેમજ કોઈપણ પ્રકારના બાળકોમાં લક્ષણ જણાતા હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું છે.
વધુમાં તેમણે જણાવ્યુ કે, તાજેતરમાં ગુજરાત રાજ્યના અમુક જિલ્લાઓમાં સસ્પેકટેડ ચાંદીપુરા રોગના લક્ષણો ધરાવતા હોય એવા કેસો જોવા મળેલા છે. જેમાં મહીસાગર જિલ્લામાં પણ એક બાળકનું અવસાન થયેલું છે, જે સસ્પેકટેડ કેસ છે. કન્ફર્મ હોવાનો હજુ રિપોર્ટ આવેલો નથી. પરંતુ પ્રિકોશનના ભાગરૂપે અગમચેતી અને સાવચેતીના પગલા તરીકે સમગ્ર જિલ્લામાં હેલ્પની ટીમ દ્વારા અસરકારક કાર્યવાહી ડસ્ટીંગ અને આવા કાચા મકાનો છે એમાં કામગીરી કરવામાં આવી રહેલી છે. આ રોગમાં મુખ્ય લક્ષણોમાં 14 વર્ષ સુધીના બાળકોને તાવ આવવો, ખેંચ આવવી, જાડા-ઉલટી વગેરે લક્ષણો જોવા મળતા હોય છે. તો આવા કોઈ લક્ષણો વાળા બાળકો મળે તો તાત્કાલિક એ બાળકોને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર પહોંચાડવા માટે તમામ નાગરિકોને મારી અપીલ છે.
સાથે સાથે એક ટીમ દ્વારા તમામ આંગણવાડી કાર્યકરો આવતીકાલે જ પોતાના વિસ્તારના જે નાના બાળકો છે, એમાંથી તાવ અને ઝાડાના લક્ષણો ધરાવતા બાળકોને શોધે, અને સાથે સાથે તમામ પ્રાથમિક શાળાના જે શિક્ષકો છે એ પણ કોઈ તાવ અને ઝાડાના લક્ષણો ધરાવતા બાળકો જો મળી આવે તો એમના નામ ડિસ્ટ્રિક્ટની જે હેલ્પલાઇન નંબર છે 9925785955 ઉપર આવા બાળકોનું પૂરું નામ, મોબાઈલ નંબર, ગામનું નામ, લખીને મોકલાવે કે, જેથી આવા બાળકોને અમે ટ્રેસ કરીને એને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઈને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સુધી આપણે એમને સંવેદનશીલ બનીને એ કામગીરી કરી શકીએ અને એમને વધુ તપાસ પણ ત્યાં થાય. રિપોર્ટ પણ થઈ જાય અને એમને આપણે એમનું આરોગ્ય સારું રહે એ પ્રકારની કામગીરી કરીશું.