તાપી: તાપી જિલ્લાના વ્યારામાં ખેડૂત ઉત્પન્ન સહકારી માર્કેટ યાર્ડ ખાતે જિલ્લામાંથી તેમજ આસપાસના વિસ્તારમાંથી આવતા ખેડૂતોને ભીંડાના ભાવ ઓછા મળતા ખેડૂતો વિફર્યા હતા અને બબાલ ઊભી થઈ હતી. જેમાં ખેડૂતો દ્વારા તોડફોડ કરી ભારે નુકસાન કરવામાં આવ્યું હતું. બનાવની ગંભીરતા સમજી વ્યારા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો શાંત પાડ્યો હતો. ત્યાર બાદ વ્યારા માર્કેટ યાર્ડના પ્રમુખ પણ પહોંચી ગયા હતા અને એક ભાવ નક્કી કરી ખેડૂતો અને વેપારીઓ વચ્ચે સમાધાન કરાવ્યું હતું.
ભીંડાના ભાવમાં 50 ટકાનો ઘટાડો: ભીંડાના ભાવ હાલ સુધી 500થી ઉપર રહ્યા હતા પરંતુ ભીંડાના ભાવમાં અચાનક ઘટાડો કરી 250 રૂપિયાનો ભાવ નક્કી કરાતા ખેડૂતો રોષે ભરાયા હતા અને વેપારીઓના વજન કાંટા સહિત ખુરશી, ટેબલો અને પડેલો માલ નીચે ફેંકી દેવામાં આવ્યો હતો. જેને કારણે કેટલાક વેપારીઓ સહિત શાકભાજીનું પણ મોટું નુકસાન થયું છે. સાથે વેપારીઓ એ જગ્યા છોડી ભાગી જવા પર મજબૂર બન્યા હતા.
એક કિલો ભીંડા તોડવામાં ચાર મજૂર: ખેડૂતો એ જણાવ્યું હતું કે, 'જે જભલામાં ભીંડા લેવાય છે તેમનો 345 રૂપિયા ભાવ અને કેરેટમાં ભીંડા લે છે તેમના 250 રૂપિયા જ ભાવ પડ્યા હતા. ભીંડા તોડવા 4 મજૂર લાગે છે અને 200 રૂપિયા મજૂરી આપવી પડે છે અને પેટ્રોલનો ખર્ચ થાય તે અલગ, ભાવ નહીં પોસાય એટલા માટે જ અહીં ધમાલ કરવામાં આવી છે.'
વ્યારા એ.પી.એમ.સીના પ્રમુખ ગણેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, 'માર્કેટમાં ભીંડાના ભાવ માટે તકલીફ થયેલી જેમાં ભાવમાં ફેરફાર થવાનું એક કારણ એ હતું કે અહીંથી ભીંડા જાય તે માર્કેટોમાં ભરાવો થાય છે. ગઈ કાલે જે માલ અહીંથી મોકલેલો હતો તે ત્યાંથી હજૂ ઊંચકાયો નથી એટલે ભાવમાં થોડી તકલીફ થયેલી અને ખેડૂતો અને વેપારીઓની આ તકલીફ હતી. જેમાં પોલીસની મદદ લેવી પડી હતી. પરંતુ પછી રેગ્યુલર હરાજી શરું થઈ હતી.'
આ પણ વાંચો: