વલસાડ: જિલ્લામાં આંગણવાડી વર્કર તરીકે કામ કરતી મહિલાઓ અને હેલ્પરો ને પડતી માનસિક મુશ્કેલી અને કામના કલાકો નક્કી કરવા સાથે જ મિનિમમ વેજીસ નક્કી કરવા માટે ની માંગ કરી વલસાડના કલ્યાણબાગ ખાતેથી એક રેલી જિલ્લા કલેકટર કચેરી સુધી લઈ જઈ આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને પડતર માંગણી અંગેની માંગો કરાય છે.
પડતર માંગોને લઈને રેલી યોજી અધિક જિલ્લા કલેકટરને આવેદન
300 થી વધુ મહિલા કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર માંગણીઓ જેવી કે છેલ્લા 45 વર્ષથી ICDS માં ચાલતી આંગણવાડી વર્કરોની કામગીરીને લઈને તેમના કોઈપણ પ્રકારના કામના કલાકો નક્કી કરવામાં આવ્યા નથી. સાથે જ જે મિનિમમ વેજીસ તેઓને મળવું જોઈએ તે મળી રહ્યું નથી અને જેટલા 45 વર્ષ કરતા પણ વધુ સમયથી ચાલી આવતી કામગીરી અંતરિયાળ વિસ્તારની મહિલાઓ મજબૂરીમાં પણ કરી રહી છે. એમાં પણ ઓફલાઈન અને ઓનલાઇનની પ્રક્રિયા અને ડેટાઓ અધિકારીઓ કોઈપણ સમયે તેમની પાસે માંગતા હોય છે. એટલે કે તેમની કામગીરીના કોઈ કલાક નક્કી કરવામાં આવ્યા નથી જે નક્કી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સાથે જ તેમને મોંઘવારીને લઈને મિનિમમ વેજીસ આપવામાં આવે જેથી કરીને અંતરિયાળ વિસ્તારમાં કામ કરતી મહિલાઓને આર્થિક રીતે સારું વળતર મળી રહે.
'45 વર્ષ કરતા વધુ સમય થી અનેક મહિલાઓ કામ કરી રહી છે પણ તેમના કામના કલાક નક્કી કરવામાં આવ્યા નથી ખાસ કરી ને ગ્રામીણ વિસ્તારની મહિલાઓ ને ઓનલાઇન કામગીરી કરવામાં મુશ્કેલી પડે છે તેમજ મોઘવારી મુજબ વળતર પણ મળતું નથી જે તમામ માંગો આજે આવેદન આપી મુકાઈ છે.' -નીરૂબેન આહીર, ગુજરાત આંગણવાડી યશોદા મૈયા આંગણવાડી વર્કર એન્ડ વેલફેર યુનિયન પ્રમુખ
ઓનલાઇન કામગીરી અંતરિયાળ વિસ્તારમાં બંધ કરવા જેવી બાબતોને લઈને આપ્યું આવેદનપત્ર
આઇસીડીએસમાં કામ કરતી વલસાડ જિલ્લાની 300 થી વધુ મહિલા કર્મચારીઓ દ્વારા આજે જિલ્લા અધિક કલેકટરને રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમને અગાઉ ઓફલાઈન કામગીરી એટલે કે માત્ર રજીસ્ટર મેન્ટેન કરવાની કામગીરી કરવામાં આવતી હતી અને રજીસ્ટરમાં જ ડેટા ની એન્ટ્રી કરવામાં આવતી હતી પરંતુ હવે જે રીતે વર્તમાન સમયમાં ઓનલાઈન કામગીરી આપવામાં આવી રહી છે તે અંતરયાડ વિસ્તારમાં જ્યાં મોબાઈલ નેટવર્કની ખૂબ ગંભીર સમસ્યા છે.
200 થી 300 જેટલી આંગણવાડી મહિલાઓ રેલીમાં જોડાઈ
વલસાડ જિલ્લાના છ તાલુકાઓમાં આવેલી વિવિધ આંગણવાડીમાં વર્કર અને હેલ્પર તરીકે કામ કરતી 300 થી વધુ મહિલાઓ આજે વલસાડ શહેરના કલ્યાણબાગ ખાતે એકત્ર થઈ હતી અને ત્યાંથી રેલી મારફતે તેમની પડતર માંગોના સૂત્રોચાર કરતા કરતા જિલ્લા કલેકટર કચેરી સુધી રેલી યોજાઇ હતી. આવેદનપત્ર આપી પડતર માંગને પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરી છે.
આવેદન પત્ર માં કરવામાં આવેલી માંગ
- ગુજરાતમાં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોને માનદ વેતનમાં વધારો કરવા બાબત.
- વર્કર અને હેલ્પર બહેનોને વર્ગ-4ના કર્મચારી જાહેર કરવા બાબત
- વર્કર અને હેલ્પર હાલ માનદ કાર્યકર હોય તો એમના કામગીરીનો સમય તેમજ કાર્ય નક્કી કરવા બાબત.
- વર્કર અને હેલ્પર બહેનોને આર્થિક સ્થિતિ નબળી હોય ગરમ નાસ્તામાં અપાતા બિલો તેમજ વીજળી બિલ ગેસ રીફીલ બીલ તેમજ અન્ય ખર્ચાઓના ખર્ચ કરવામાથી મુક્તિ આપવા બાબત.
- વર્કર અને હેલ્પર બહેનોને સેવામાંના અનુભવ ઉપરથી સુપરવાઇઝર સીડીપીઓનું પ્રમોશન સીધું જ આપવા બાબત જેમાંથી ઉંમર માટેની વયમર્યાદા રદ કરવા બાબત.
- આંગણવાડી બહેનોને આરોગ્ય લક્ષી વીમા યોજના તેમજ પેન્શન યોજના લાગુ કરવા બાબત.
- આઈ.સી.ડી.એસ.માં ઓન લાઇન કામગીરીમાથી મુકિત આપવા તેમજ વર્કર અને હેલપરને જે તે જીલ્લામાં ખાલી પડતી જગ્યામાં ટ્રાન્સફર આપવા તેમજ મીની આંગણવાડી કેન્દ્રમાં હેલ્પર બહેનની તાત્કાલિક જગ્યા ભરવા બાબત
- સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ નિવૃત્ત બહેનોને ગ્રેજ્યુઈટી ચૂકવવા બાબત.
- ગુજરાતમાં યુનિયન કમિટીને રેગ્યુલર દર ત્રણ મહિને ગ્રીવિન્સ કમિટીમાં બોલાવવા બાબત.