આણંદ : સરપ્રાઇઝ ચેકિંગમાં કરમસદ ખાતે આવેલ કરમસદ કેળવણી મંડળ સંચાલિત સરદાર પટેલ હાઈસ્કૂલમાં જિલ્લા શિક્ષણ અધિકારી પહોચ્યા ત્યારે કોઈ અનઅધિકૃત વ્યક્તિ બારીમાંથી વિદ્યાર્થીને ચોરી કરાવતો હોવાનું શિક્ષણ અધિકારીના નજરે પડ્યું હતું, અધિકારી દ્વારા તે વ્યક્તિને અટકાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ અજાણ્યો વ્યક્તિ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
22 જેટલા સ્ટાફને બદલી દેવામાં આવ્યા : ઘટનાની ગંભીરતા જોતા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ ઊંડાણપૂર્વક કરતા આ પ્રકારની ઘટના ખૂબ ગંભીર હોવાનું માલુમ પડ્યું હતું. સમગ્ર ઘટના પર અધિકારી દ્વારા ઉદાહરણરૂપ પગલાં ભરવામાં આવ્યાં અને તમામ સ્ટાફને પરીક્ષાની જવાબદારીમાંથી ખસેડીને નવા સ્ટાફને મૂકી દેવામાં આવ્યાં. જેમાં સ્થળ સંચાલક ખંડ નિરીક્ષક વહિવટી સ્ટાફ, સાથે સેવકકર્મીઓ મળીને 22 જેટલા સ્ટાફને બદલી દેવામાં આવ્યા હતાં.
સમગ્ર ઘટના એક સરપ્રાઇઝ વીઝિટ દરમ્યાન સામે આવી હતી. જે અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સેન્ટર પર ફરજ બજાવતા તમામ સ્ટાફને પરીક્ષાની જવાબદારીમાંથી ખસેડીને નવા સ્ટાફને પરીક્ષાની કામગીરીમાં મૂકવામાં આવ્યા છે અને આગળની તપાસ ચાલુ છે. પરીક્ષા કેન્દ્રમાં જે બ્લોકમાં આ ગેરરીતિ સામે આવી તે ખંડમાં કુલ 29 વિદ્યાર્થીઓ ધોરણ 12ના ભૂગોળ વિષયની પરીક્ષા આપી રહ્યા હતા. સમગ્ર ઘટના અંગે રાજ્યના પરીક્ષા બોર્ડમાં જાણ કરીને પોલીસ જવાનો અને સ્કોડ વધારવા માટે રજૂઆત કરવામાં આવી હોવાની જાણકારી પણ આપી હતી.કામિની ત્રિવેદી (જિલ્લા શિક્ષણ અધિકારી)
ફોજદારી કાર્યવાહી કરવામાં આવી નથી : કરમસદ ખાતે બનેલી ઘટનાના રાજ્ય વ્યાપી પ્રતિઘાત પડતા તંત્ર પણ મુઝવણમાં મુકાયું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા બે કેન્દ્ર કરમસદ અને તારાપુર ખાતે કરેલી કાર્યવાહી અને ત્યાર બાદના પોલીસ વિભાગની સુરક્ષા અને શિક્ષણ બોર્ડને સ્કોડ મુકવા અંગે કરેલી ભલામણ બાદ સમગ્ર વિષય પ્રકાશમાં આવ્યો હતો. પરંતુ હજુ સુધી જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા સમગ્ર ઘટના અંગે કોઈ પણ પ્રકારની ફોજદારી કાર્યવાહી કરવામાં આવી નથી. જ્યારે કરમસદ પરીક્ષા કેન્દ્રના સ્થળ સંચાલક અને જે વર્ગખંડમાં ઘટના બની તે ખંડ નિરીક્ષકને આજે ગાંધીનગરથી તેડું આવ્યું હોવાની પણ માહિતી બહાર આવી હતી.