જામનગર: જામનગરમાં આવેલ એમ્પ્લોઇઝ પ્રોવીડન્ડ ફંડ એટલે કે ઇપીએફઓના એન્ફોર્સમેન્ટ અધિકારી એન.સી.નથવાણીને રૂ.1.10 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે અને તેને મદદ કરનાર મીઠાપુરના એચ.કે.ભાયાણી તથા તેના પુત્ર જય ભાયાણીની મદદગારીમાં ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેયની સામે સીબીઆઇ દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ છે અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
એન્ફોર્સમેન્ટ અધિકારી લાંચ લેતા ઝડપાયા: મીઠાપુરના એક ફરિયાદી દ્વારા સીબીઆઇ સમક્ષ સમગ્ર મામલાની ફરિયાદ કરવામાં આવી હતી અને પીએફને લગતા કેટલાક પેન્ડીંગ કામો માટે એન.સી.નથવાણી દ્વારા લાંચની માંગણી કરવામાં આવી હોવાની વિગતો અપાયા બાદ સીબીઆઇ દ્વારા જામનગર તથા દેવભુમિ દ્વારકાના મીઠાપુર ખાતે ગઇકાલે બપોરથી રાત સુધી આખુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. સીબીઆઇ દ્વારા ફરિયાદના આધારે ટ્રેપ ગોઠવવામાં આવી હતી જેમાં એન્ફોર્સમેન્ટ અધિકારી લાંચ લેતા ઝડપાયા હતાં. અને મીઠાપુર સ્થિત બંને વચેટીયા ભાયાણી પીતા પુત્ર પણ આ છટકામાં આબાદ ઝડપાયા હતાં.
CBI એ અનેક સ્થળે દરોડા પાડયા: સીબીઆઇ દ્વારા એન.સી.નથવાણીના ઓફીસ, રહેણાંક સહિતના સ્થળો પર તપાસ કરવામાં આવી હતી. દેવભુમિ દ્વારકા, જામનગર અને રાજકોટમાં પણ સીબીઆઇની ટીમોએ પહોંચીને સંબંધીત પ્રકરણ અંગે અનેક સ્થળે દરોડા પાડયા હતાં. જેમાં કેટલાક મહત્વના દસ્તાવેજો કબ્જે કરાયા છે અને મોટી રકમ પણ દરોડા દરમ્યાન સીબીઆઇ દ્વારા પકડવામાં આવી છે જેની વધુ વિગતો હવે પછી જાહેર કરવામાં આવશે.
પીતા-પુત્રને રિમાન્ડ પર લીધા: સીબીઆઇ દ્વારા લાંચ લેનાર એન્ફોર્સમેન્ટ અધિકારી અને મદદગારી કરનારા ભાયાણી પીતા-પુત્રને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અને એમની પૂછપરછ દરમ્યાન એન્ફોર્સમેન્ટ અધિકારીની આવક કરતા વધુ સંપતિની સંબંધેની અનેક વિગતો ખુલવાની પણ સંભાવનાઓ દશર્વવામાં આવી રહી છે.
સીબીઆઇના દરોડા: બપોરથી જયારે સીબીઆઇનું આ ઓપરેશન શરુ થયું ત્યારે પહેલા જુદી-જુદી ચર્ચાઓ ચાલી હતી. મોડી સાંજે મીઠાપુરમાં સીબીઆઇનો કાફલો પહોંચ્યો હતો. ભારે ગુપ્તતા સાથે આખું ઓપરેશન ચાલ્યું હતુ. દેવભૂમિ દ્વારકાના પોલીસ વડા નિતેશ પાંડે સહિતની ટીમ સીબીઆઇની સાથે જોડાઇ હતી. મહીલા પોલીસનો કાફલો પણ સાથે રાખવામાં આવ્યો હતો. મીઠાપુરમાં ઓફીસ અને સંબંધીતો ઘરોમાં પણ તપાસ કરવામાં આવી હતી. આ દરમ્યાન મોટી રોકડ રકમ પણ પકડાઇ હોવાની વાત ઉઠી હતી.
સીબીઆઇનું પ્રાથમિક તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, ઇપીએફઓના એન્ફોર્સમેન્ટ અધિકારી જે તે ખાનગી કંપનીઓ પાસે પ્રોવીડન્ડ ફંડની રકમ રિલીઝ કરાવવા માટે લાંબા સમયથી લાંચ વગેરે મેળવતા હતાં અને આ સંબંધે જ એક કંપની પાસેથી લાંચ માંગવામાં આવ્યા બાદ સીબીઆઇ સમક્ષ સમગ્ર વિગતો પહોંચાડવામાં આવી હતી. જેના આધારે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું, કદાચ આજે એન.સી.નથવાણી અને વચેટીયા ભાયાણી પીતા-પુત્રને કોર્ટ સમક્ષ રજૂ કરીને રિમાન્ડ મેળવવામાં આવશે.
સીબીઆઇ દ્વારા જામનગર, દ્વારકાના મીઠાપુર અને રાજકોટ સુધી તપાસ કરવામાં આવી હોવાથી અને ખાસ કરીને એન્ફોર્સમેન્ટના અધિકારી સીબીઆઇની લાંચના છટકામાં ઝડપાયા હોવાની વિગતો બહાર આવ્યા બાદ લાંચીયા બાબુઓમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ છે. આગામી દિવસોમાં આ અંગેની વધુ વિગતો જાહેર થશે અને કદાચ એન્ફોર્સમેન્ટ અધિકારી નથવાણીની આવક કરતા વધુ સંપતિ સામે આવ્યા બાદ એ મામલે પણ સીબીઆઇમાં ગુન્હો નોંધાવાની શકયતા દેખાઇ રહી છે.