કચ્છ: વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડની ફોલ્ટ લાઈન પર નાના નાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. ત્યારે ખાવડા વિસ્તાર પાસે પણ નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ છે. છેલ્લા કેટલાક સમયથી લખપત વિસ્તારમાં પણ ફોલ્ટ લાઈન સક્રિય થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યાં આજે બપોરના 3:50 કલાકે 3.4ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના લખપત વિસ્તારમાં કંપનની અસર થઈ હતી. ભૂકંપનો કેન્દ્રબિંદુ લખપતથી 25 કિલોમીટર દૂર નોર્થ - વેસ્ટમાં નોંધાયો છે.
લખપત વિસ્તારમાં ફોલ્ટલાઈન પર નોંધાયો આંચકો: ઉલ્લેખનીય છે કે કચ્છના ભચાઉ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ સક્રિય ફોલ્ટલાઈન પર જ નોંધાઈ રહ્યા છે. પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં ભચાઉ પાસે આવેલ ભૂકંપની ફોલ્ટલાઈન પર અવારનવાર 1.0 થી 4.0ની તીવ્રતાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. આમ તો ખાસ કરીને પશ્ચિમ કચ્છમાં ખાવડાની આસપાસના વિસ્તારમાં અવારનવાર આંચકાઓ અનુભવાતા હોય છે. તો આજે બપોરે ફરી પશ્ચિમ કચ્છના લખપત વિસ્તાર પાસે આંચકો અનુભવાયો હતો.
4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે લોકોમાં ભય: કચ્છમાં વર્ષ 2001ના ભૂકંપ બાદ જેટલી પણ ફોલ્ટ લાઈન છે તે ફોલ્ટ લાઈન સક્રિય થઈ છે. તેથી તેની આસપાસ વિસ્તારોમાં જ છેલ્લાં કેટલાક સમયથી ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. અવારનવાર આવતા નાની તીવ્રતાના આંચકાઓને લીધે કોઈ પણ પ્રકારની નુકસાનીના સમાચાર સામે નથી આવી રહ્યા.પરંતુ 4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે ક્યારેક લોકોમાં ભય પણ ફેલાય છે.