અમરેલી: અમરેલી જિલ્લામાં મોટાભાગે લોકો ખેતી અને પશુપાલન સાથેે સંકળાયેલા છે. ત્યારે અમરેલી જિલ્લાના દામનગર તાલુકાના રાભડા ગામના પ્રદીપભાઇ પરમાર નામના પશુપાલક પાસે એક એવો આખલો છે જેના થકી તેમણે લાખોની કમાણી કરી છે આ આખલાનું નામ કોહિનૂર છે.
પ્રદીપભાઈ ગીર પ્રજાતિની ગાયોના સંવર્ધન માટે આ આખલાને ભાડે આપીને લાખોની કમાણી કરી રહ્યા છે. સ્નાતક સુધીનો અભ્યાસ કરેલા પ્રદીપભાઈ હાલ પોતે પણ વારસાગત પશુપાલન વ્યવસાયમાં સક્રીય છે અને રાભડા ગામે પ્રદીપ ગીર નામે ગૌશાળા ચલાવે છે. તેમની પાસે ગીર નસલની 35 ગાય અને 2 નંદી છે.
આજથી 11 માસ પહેલા રાણપુરના પાળીયાદ નજીકથી પ્રદીપભાઈએ આ ઝેડ બ્લેક કલરનો આખલો ખરીદ્યો હતો, ત્યારે આખલાની કિંમત તેમણે 4 લાખ ચૂકવી હતી, ત્યાર બાદ સારી એવી માવજતને કારણે કોહિનૂર આખલો અન્ય આખલાઓ કરતા સવાયો અને વિશેષ થતો ગયો.
કમાલનો કોહિનૂર: આજે કોહિનૂરની ઊંચાઈ.5.8 ઈંચ છે, જ્યારે તેની લંબાઈ 8.8ઈંચ છે. કોહિનૂર 2 વર્ષ નો હતો ત્યારે રાણપુર ગામના એક પશુપાલક પાસેથી પ્રદીપભાઈએ ચાર લાખ રૂપિયામાં ખરીદ્યો હતો અને પોતાની ગૌશાળામાં લાલન પાલન કરી તેને ઉછેરવામાં આવ્યો. શારીરિક અને સશક્ત મજબૂત કાયાથી તે જાણે ગજરાજ હોય તેમ લાગે છે. ઉપરાંત તેની ચાલવાની છટાં અને તેના ઝેડ બ્લેક કલરને કારણે તે અન્ય આખલાઓથી એકદમ અલગ પડે છે.
'કોહિનૂર'ની ખાસીયત
- રાણપુરના પાળીયાદ નજીકથી આખલો ખરીદ્યો
- 4 લાખ રૂપિયાની કિંમત ચુકવીને કોહિનૂર ખરીદ્યો
- ઝેડ બ્લેક કલર હોવાનો કારણે તેનું નામ કોહિનૂર પાડ્યું
- કોહિનૂરની ઊંચાઈ.5.8 ઈંચ અને લંબાઈ 8.8 ઈંચ
- એક ગાયના સંવર્ધન માટે હાલ 2000 થી 5000 રૂપિયા લેવામાં આવે છે
'કોહિનૂર' કરાવે છે લાખોની કમાણી
કોહિનુર આ પ્રદીપ ગીર ગૌશાળામાં રહે છે અને તેની સાથે અન્ય 37 ગીર ગાયો પણ આ ગૌશાળામાં છે, જેમની માવજત અને સારસંભાળ પ્રદીપભાઈ પરમાર કરી રહ્યા છે. કોહિનૂર ત્રણ ગાયોનો ખોરાક એકલો આરોગી જાય છે. આ કોહિનૂર આખલાથી જે પણ ગાય સાથે બ્રિડીંગ થાય છે તેને વાછરડી જ જન્મતી હોવાથી અત્યાર સુધીમાં તેના દ્વારા ત્રણ ગાયોએ વાછરડીને જન્મ આપ્યા છે. કોહિનુર આખલાનો પુત્ર ગોપાલ નામનો ગીર નંદી પણ છે. આ ગોપાલ ગીર નંદી પણ સમગ્ર દેશમાં ખુબજ પ્રખ્યાત છે. હાલમાં ગાંધીનગરના ગામડામાં આ કોહિનુર આખલાને 8 લાખ 51 હજારમાં 4 મહિના માટે ભાડે આપ્યો છે.
દરોજ્જ 2500 રૂપિયાનો ઘાસચારો ખાઈ જાય છે 'કોહિનૂર'
- કોહિનૂર અપાઈ છે રોજ 20 કિલો ઘાસચારો
- 13 કિલો ચારો અને 7 કિલો સુકોચારો
- 6 થી 7 કિલો કપાસિયા ખોળ અને મિક્સ ખોળ પાપડી
- કોહિનૂરને 1 લીટર મગફળીનું શુદ્ધ સીંગતેલ પણ ખોરાકમાં અપાઈ છે
- ખાસ આખલાઓ માટે આવતું એકસ્ટ્રા દાણ 1 કિલો દરોજ્જ આપવામાં આવે છે.
- રોજ કોહિનૂર નંદી પાછળ અંદાજિત 2500 રૂપિયાનો ઘાસચારો અને ખાણદાણ સાથે થતો અન્ય ખર્ચ
દૂધ અને ઘીનું પણ ઉત્પાદન: પ્રદીપભાઈ પોતાની પાસે રહેલી 35 ગીર ગાયો માંથી અંદાજીત 70 લીટર જેટલું દૂધ ઉત્પાદન મેળવે છે, જેનો એક લીટરનો ભાવ 90 રૂપિયા મળી રહે છે, અને સાથે જ વધારે પ્રમાણમાં દૂધ ઉત્પાદન થતા તેઓ તેમાંથી ઘી તૈયાર કરે છે અને આ ઘીનું વેચાણ તેઓ ગુજરાત ઉપરાંત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ તેમજ દિલ્હી અને પંજાબ સહિતના રાજ્યોમાં કરે છે. એક કિલો ઘીનો ભાવ 3000 રૂપિયા સુધી મળી રહે છે.
આત્મનિર્ભર બનતા યુવાઓ: અમરેલી જિલ્લામાં મોટાભાગના પશુપાલકો લાખો રૂપિયાના પશુધન રાખતા થયાં છે, અને તેના થકી લાખો રૂપિયાનું ઉત્પાદન પણ મેળવી રહ્યા છે, દૂધ ઉત્પાદનની સાથે અલગ-અલગ રીતે વેલ્યુ એડિશન કરીને આત્મનિર્ભરતાની દીશામાં આગેકૂચ કરી રહ્યાં છે. હાલનો યુવા વર્ગ હવે નોકરીના બદલે વ્યવસાય કરતા થયાં છે અને ગ્રામિણ વિસ્તારના યુવાઓ પશુપાલનનો વ્યવસાય કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.
યુવાનો પશુપાલન તરફ વળ્યા: અમરેલી જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં યુવકો નોકરી શોધવાને બદલે હવે સારી ગીર ગાય અને જાફરાબાદી ભેંસ શોધીને પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છે, ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કરનાર યુવકો પણ હવે ખેતીવાડી અને સાથે જ ખેતીવાડીમાં મૂલ્ય વર્ધન કરી અને પશુપાલનનો વ્યવસાય કરતા થયાં છે અને પશુપાલનમાં પણ મૂલ્ય વર્ધન કરે છે. પ્રદીપભાઈના મતે પશુપાલનનો વ્યવસાય સૌથી શ્રેષ્ઠ છે અને મહિને તેઓ અંદાજિત એક લાખ સુધીની આવક મેળવીને આત્મનિર્ભરતાની દીશામાં આગેકૂચ કરી રહ્યાં છે અને અન્ય પશુપાલકોને પણ પ્રેરણા પુરી પાડી રહ્યાં છે.