હૈદરાબાદ: માઉન્ટ આબુ, રાજસ્થાન અને ગુજરાતની સરહદે આવેલું અને અરવલ્લીની ગિરિમાળામાં વસેલું એક એવું હિલ સ્ટેશન જ્યાં ગુજરાતીઓ અવાર-નવાર જવાનું વધુ પસંદ કરે છે. ખાસ તો દિવાળીનું વેકશન હોય, ચોમાસાની ઋતુ હોય કે પછી થર્ટી ફર્સ્ટની ઉજવણી. અહીં બારે માસ આપને મોટી સંખ્યામાં સહેલાણીઓ જોવા મળશે.
માઉન્ટ આબુના જોવાલાયક સ્થળ: માઉન્ટ આબુમાં નકી લેક, ગુરૂશિખર, દેલવાડાના દેરા, સન સેટ પોઇન્ટ, બ્રહ્માકુમારીઝ સહિત અનેક ફરવા લાયક જગ્યાઓ અને સનસેટ પોઈન્ટ છે જે પ્રવાસીઓને આકર્ષે છે. એટલે જ તો અહીં દેશભરમાંથી પ્રવાસીઓ ઉમટી પડે છે. પરંતુ માઉન્ટ આબુ પ્રત્યે ગુજરાતીઓનો પ્રેમ અપાર છે અહીં મોટી સંખ્યામાં ગુજરાતી સહેલાણીઓ ફરવા માટે આવે છે.
અમદાવાદથી આબુ: પરિવહન સેવાનો વ્યાપ વધતા માઉન્ટ આબુ પહોંચવું હવે એકદમ સરળ બની ગયું છે. આપ બાય રોડ અને ટ્રેન દ્વારા સરળતાથી માઉન્ટ આબુ જઈ શકો છે. અમદાવાદથી માઉન્ટ આબુનું અંતર આશરે 228 કિલોમીટર જેવું થાય છે. અમદાવાદ ઘણી ખાનગી અને ગુજરાત રાજ્ય પરિવહન નિગમની બસો પણ દોડે છે. આ ઉપરાંત રેલવે સેવા પણ ખુબ જ અસરકારક છે તેમાં પણ હમણા નવી શરૂ થયેલી વંદેભારત ટ્રેન દ્વારા માત્ર અઢી કલાકમાં આપ માઉન્ટ આબુ પહોંચી શકો છો.
માત્ર અઢી કલાકમાં અમદાવાદથી આબુ: ટ્રેન નંબર 12462, સાબરમતી- જોધપુર જંકશન ટ્રેન એ અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી સાંજે 04.45 કલાકે ઉપડે છે, અને ફક્ત અઢી કલાકમાં એટલે કે સાંજે 7.15 કલાકે આબુ રોડ પહોંચાડી દે છે. આ ટ્રેન મંગળવાર સિવાઈ આખુ સપ્તાહ દોડે છે. આ ટ્રેન માત્ર મહેસાણા અને પાલનપુર સ્ટેશન પર જ હોલ્ડ કરે છે. જો આ ટ્રેનના ભાડાની વાત કરીએ તો આ ટ્રેનનું મહત્તમ ભાડું 640 રૂપિયાની આસપાસ છે. જ્યારે ઈકોનોમિક ચેર કારનું અંદાજીત ભાડું 1230 રૂપિયા છે.