અમદાવાદઃ પેક્ડ ફૂડમાં વારંવાર જીવાત નીકળવાના કિસ્સા બની રહ્યા છે. હવે શહેરના કુબેરનગર વિસ્તારમાં અમુલ દૂધના પાઉચમાંથી કીડીઓ નીકળવાનો કિસ્સો સામે આવ્યો છે. અમુલની 3 દૂધની થેલીઓમાંથી દૂધ બહાર કાઢતા તેમાં કીડીઓ નીકળી હતી. આ ઘટનાને પગલે ગ્રાહકે અમુલ કંપનીને ઈમેલ કરીને ફરિયાદ કરી હતી. જોકે હજી સુધી તે અંગે કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી. કંપની તરફથી 2-3 દિવસ બાદ ફિલ્ડ વિઝિટ કરાશે તેમ જણાવ્યા આવી દેવામાં આવ્યું હતું.
પહેલા ફોન પછી ઈમેલ કરવા જણાવાયુંઃ કુબેરનગર વિસ્તારમાં રહેતી યુવતીએ Etv Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે તેમના ઘરની નજીક આવેલા અમુલ પાર્લર પરથી 3 જેટલી અમુલ ગોલ્ડ દૂધની થેલી લીધી હતી. ઘરે દૂધ લાવી અને તપેલીમાં દૂધ કાઢતા તેમાં કીડીઓ નીકળી હતી. 2 જેટલી દૂધની થેલી માંથી કીડીઓ નીકળતા તેઓ અમૂલ પાર્લર પર ગયા હતા. ત્યાંના વ્યક્તિએ અમુલના ફરિયાદ નંબર ઉપર ફોન કરવાનું કહ્યું હતું. જો કે ફોન કરતા ફરિયાદ ઈમેલ કરવાનું જણાવાયું હતું.
2-3 દિવસમાં જવાબ અપાશેઃ અમુલ ગોલ્ડ દૂધની થેલીમાંથી કીડીઓ નીકળી હોવા અંગેની ઈમેલથી ફરિયાદ કરી હતી, પરંતુ આ મામલે તેઓનો કોઈ જવાબ આવ્યો ન હતો. જેથી ફરીથી ફોન કરતા કંપની તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે, 2થી 3દિવસમાં જવાબ આપવામાં આવશે. પરિવારમાં સીનિયર સિટીઝન અને નાના બાળકો હોય ત્યારે હવે આ દૂધ કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય. આ મામલે વળતરની પણ માંગણી કરી છે. જોકે કંપની તરફથી કોઈપણ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં પણ આ મામલે ફરિયાદ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. મ્યુનિસિપલ આરોગ્ય વિભાગના અધિકારી ભાવિન સોલંકી જણાવ્યું કે અમારી જોડે ફરિયાદ આવશે તો અમે તાત્કાલિક પગલાં ભરીશું.