અમદાવાદ: આજથી દોઢ વર્ષ પહેલાં અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે કાર હંકારીને 9 લોકોના મોતનું કારણ બનનાર નબીરા તથ્ય પટેલે ફરી એકવાર જામીન માટે અરજી કરી છે. તથ્ય પટેલે ફરી એકવાર જામીન મેળવવા માટે હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. આ અંગે 17 ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે.
અત્યાર સુધી કુલ 40 મુદ્દતો પૂર્ણ: તથ્ય પટેલની ડિસ્ચાર્જ અરજીની સુનાવણી ગુજરાત હાઇકોર્ટમાં છેલ્લા ઘણા સમયથી પડતર હોવાથી નીચલી કોર્ટમાં હજી સુધી કેસ કે ચાલુ થઈ શક્યો નથી, અને હવે દોઢ વર્ષ પૂરું થવા આવી રહ્યું છે. તેમ છતાં હજી સુધી આ કેસ ઓપન થઈ શક્યો નથી અને નવ લોકો ના ભોગ લેવાયો તેમના પરિવારને હજુ સુધી કોઈ વળતર પણ મળ્યું નથી. હવે ફરી એક વખત તથ્ય પટેલે ગુજરાત હાઇકોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરી છે, તથ્ય પટેલના કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અત્યાર સુધી કુલ 40 મુદ્દતો પૂરી થઈ છે.
ગુજરાત હાઇકોર્ટમાં નિયમિત જામીન માટે અરજી: આ મામલે સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદી એ જણાવ્યું હતું કે, હાઈકોર્ટમાં ડિસ્ચાર્જ અરજી પડતર હોવાથી નીચલી કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. કોર્ટના આદેશ બાદ તરત જ કેસ ઓપન કરવામાં આવશે. આ કેસમાં આરોપી તથા પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે 90 પુરાવાનું લિસ્ટ પણ રજૂ કરી દેવામાં આવ્યું છે, અને હવે આરોપી તથ્ય પટેલે ગુજરાત હાઇકોર્ટમાં નિયમિત જામીન મેળવવા માટે જામીન અરજી દાખલ કરી છે.
17 ડિસેમ્બરે વધુ સુનાવણી
આ પહેલાં ગયા વર્ષે ડિસેમ્બરમાં તેણે પોતાની જામીન અરજી પાછી ખેંચી લીધી હતી, ત્યાર પછી તેણે નીચલી કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, જે નીચલી કોર્ટે ફગાવી દીધી હતી અને હવે તેણે હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે, આ કેસની વધુ સુનાવણી 17 ડિસેમ્બરે કરવામાં આવશે.
9 લોકોના થયાં હતા મોત:
પૈસાદાર નબીરા તથ્ય પટેલે 20 જુલાઈ - 2023ની રાત્રે અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ કાર હંકારીને સર્જેલા અકસ્માતમાં સુરેન્દ્રનગર જિલ્લાની ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. જેમાં ચૂડાના વતની ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ પરમાર, અરમાન વઢવાણિયા અને અમન કચ્છી સુરેન્દ્રનગરના રહેવાસી હતા. આ ઉપરાંત બોટાદ તાલુકાના ત્રણ મૃતકોમાં રોનક વિલપરા, કુણાલ કોડિયા અને અક્ષર પટેલ હતા તેમજ અમદાવાદના નિલેશ ખટીક, નીરવ રામાનુજ અને અમદાવાદના પોલીસ કર્મી જસવંતસિંહ ચૌહાણ હતા.