બનાસકાંઠા : ગત 9 ડિસેમ્બરના રોજ બનાસકાંઠાના સરહદી સુઈગામ તાલુકાના ડાભી ગામની શાળામાં શિક્ષકોની ઘટ હોવાના મામલે ગામના સરપંચ સહિત વાલીઓએ શાળાની તાળાબંધી કરી હતી. જોકે, શિક્ષણ વિભાગે ગ્રામજનોની માગ સ્વીકારી લેતા આખરે બે દિવસ બાદ તાળાબંધી હટી છે.
ડાભી ગામની માધ્યમિક શાળામાં "તાળાબંધી" : ડાભી ગામની માધ્યમિક શાળામાં ધોરણ 9 થી 12 માં 195 વિદ્યાર્થી હોવા છતા છેલ્લા બાર મહિનાથી માત્ર એક કાયમી શિક્ષકો હોવાથી વિદ્યાર્થીઓનું ભણતર બગડતું હોવાના આક્ષેપ સાથે વાલીઓએ આ બાબતે વારંવાર રજૂઆત કરી હતી. તેમ છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે વાલીઓને મળીને શાળાને તાળાબંધી કરવાની ફરજ પડી હતી.
શું હતી ગ્રામજનોની માંગ ?: શાળાને તાળાબંધીના ત્રીજા દિવસે એટલે કે 11 નવેમ્બરની સવારે ગ્રામજનો શાળાની આગળ ઢોલ-નગારા સાથે અનશન ઉપવાસ પર બેસી ગયા હતા. ગ્રામજનોએ ઉપરાંત ભજનની રમઝટ બોલાવી હતી. જ્યારે વહીવટી તંત્ર દ્વારા ગ્રામજનો સાથે વાતચીત કરવામાં આવી તો ગ્રામજનોએ શિક્ષકોની ઘટ અને CCTV કેમેરા અને પીવાના પાણીની સુવિધા ન હોવાની વાત કરી હતી.
ત્રણ દિવસે આખરે તાળાબંધી હટી : આખરે શિક્ષણ વિભાગ દ્વારા ગ્રામજનોની તમામ માંગો સ્વીકારવામાં આવી અને ઝડપી કામગીરી કરવાની બાંહેધરી આપવામાં આવી હતી. સાથે જ કાયમી શિક્ષકો મૂકવાની માંગને લઈને આગામી દિવસોમાં શિક્ષકો મુકાઈ જશે તેવું જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશ પટેલે બાંહેધરી આપી હતી. આજે ગ્રામજનોએ શાળાની તાળાબંધી હટાવતા આવતીકાલથી રાબેતા મુજબ શાળા ચાલુ કરવામાં આવશે.
શિક્ષણ વિભાગ આપી બાંહેધરી : બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશ પટેલે જણાવ્યું કે, ડાભી ગામની શાળામાં શિક્ષકોની ઘટને લઈને ગત 9 ડિસેમ્બરના રોજ ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધી કરવામાં આવી હતી. વાલીઓની કાયમી શિક્ષકો મૂકવાની માંગને લઈને જિલ્લા શિક્ષણ વિભાગે બાંહેધરી આપી છે. હાલ શાળામાં ચાર શિક્ષકો છે, જેમાં એક કાયમી અને ત્રણ જ્ઞાન સહાયક છે. વાલીઓ સાથે ચર્ચા થતા આવતીકાલથી શાળા રાબેતા મુજબ શરૂ થઈ જશે.