જૂનાગઢ: આજે રાષ્ટ્રીય કક્ષાના હોર્ટિકલ્ચર પાકો પર પરિસંવાદનું આયોજન થયું જેમાં સમગ્ર દેશમાંથી આવેલા કૃષિ વૈજ્ઞાનિકો, સંશોધકો અને એગ્રીકલ્ચર યુનિવર્સિટીના અધ્યાપકોની સાથે કુલપતિઓએ હાજર રહીને આવનારા દિવસોમાં કૃષિ પાકોને લઈને મનોમંથન અને ચિંતન શરૂ કર્યું છે. અને પાકો પર જળ વાયુ પરિવર્તનની અસર ઓછી થાય તે અંગે વિચારણા કરી હતી.
પરિસંવાદમાં જળવાયુ પરિવર્તન પર ચર્ચા: વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વમાં જળવાયું પરિવર્તન મોં ફાડીને ઊભેલી સૌથી મોટી સમસ્યા બની રહી છે જેને કારણે સમગ્ર વિશ્વના જીવો પર વિપરીત અસરો પડી રહી છે. જળવાયુ પરિવર્તનને કારણે કૃષિ પાકો અને ખાસ કરીને ફળ ફળાદી પાકો પર વધુ પ્રમાણમાં વિપરીત અસરો જોવા મળે છે જેને લઈને રાષ્ટ્રીય પરિસંવાદમાં દેશના અગ્રણી સંશોધનકારો, વૈજ્ઞાનિકો, અધ્યાપકો અને કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓ એક સાથે બેસીને જળવાયુ પરિવર્તન જેવા સળગતા વિષય પર સમાધાનની દિશામાં યોગ્ય સમાધાનની ચર્ચા કરી હતી.
જળવાયુ પરિવર્તનની આંબા પર અસર: જળવાયુ પરિવર્તનની સૌથી વધુ અસર આંબા પર થતી હોય છે. કેરી સૌથી વધુ સંવેદનશીલ ફળ પાક તરીકે જોવામાં આવે છે ત્યારે વધુ ઉત્પાદન મેળવવા માટે ખેડૂતો આંબાને હોર્મોનલ ખોરાક આપીને ઉત્પાદન વધુ મેળવવા તરફ આંધળી દોટ મૂકી રહ્યા છે. હોર્મોનલ ખોરાક આપવાથી આંબામાં ફૂલ અને ફળનું આવરણ વધી જાય છે, પરંતુ ખેડૂત હોર્મોનલ ખોરાક જરૂર કરતાં વધારે આપે છે તેની સામે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા સૂચવવામાં આવેલું દેશી અને છાણીયું ખાતર બમણું કરવાની ભલામણને નજર અંદાજ કરે છે પરિણામે આંબાનું આયુષ્ય ઘટે છે અને 4થી 5 વર્ષ બાદ આંબામાં મોર આવવાની અને તેમાં ફળ લાગવાની પ્રક્રિયામાં ખૂબ જ વિક્ષેપ ઉભો થાય છે જેને કારણે ખેડૂતોને કેરીનું ઉત્પાદન ખૂબ જ ઓછું મળે છે.