સુરત: શહેર પોલીસ દ્વારા શહેરમાં વ્યાજખોરોના ચંગુલમાં ફસાયેલા લોકોને મુક્ત કરાવવા માટે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો સામે ગુના દાખલ થયા છે. આ બે ગુનાઓ અંગે માહિતી મેળવી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. ત્યારે સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં ઉધનાના કુખ્યાત વ્યાજખોર ધર્મેન્દ્ર હંજરા ઉર્ફે લાલી સામે એક ગુનો દાખલ થયો હતો.
સુરતના ઉધના વિસ્તાર સહિત શહેરના અનેક વિસ્તારોમાં વ્યાજખોરી દ્વારા આતંક મચાવનાર ધર્મેન્દ્ર ઉર્ફે લાલીને ઉધના પોલીસ તેના જ વિસ્તારમાં લઈને પહોંચી હતી. માત્ર એટલું જ નહીં, જ્યાં તેની ધાક છે એ જ વિસ્તારમાં પોલીસે લાલીનો વરઘોડો કાઢી ઓફિસમાં તપાસ હાથ ધરી હતી. માથાભારે વ્યાજખોર ધર્મેન્દ્ર ઉર્ફે લાલી સામે વધુ એક ગુનો નોંધાયો છે જેને લઈ ઉધના પોલીસ આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે લાલીને લઈ તેની ઉધના ખાતે આવેલી ઓફિસ પર પહોંચી હતી. ઓફિસમાં લાગેલાં તાળાંની ચાવી નહીં મળતાં પોલીસે તાળું તોડીને લાલીના ઓફિસમાં એન્ટ્રી લીધી હતી તેમજ તેની સંપત્તિ અંગે પોલીસ દ્વારા એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરને જાણ કરાશે.
લાલીએ કરોડો રૂપિયાની સંપત્તિ પણ બનાવી: ધર્મેન્દ્ર ઉર્ફે લાલી જે ઓફિસમાં બેસીને વ્યાજખોરીનો ધંધો કરતો હતો એ ઓફિસનાં તાળાંની ચાવી ન મળતાં પોલીસકર્મીએ ઓફિસના શટરનું તાળું હથોડા વડે તોડીને પ્રવેશ કર્યો હતો. ઓફિસની અંદર દસ્તાવેજ અને કાગળો લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસને જાણકારી મળી છે કે વ્યાજખોરી કરીને આરોપી લાલીએ કરોડો રૂપિયાની સંપત્તિ પણ બનાવી લીધી છે. આ સંપત્તિની તપાસ ટૂંક સમયમાં ઈડીને સોંપવામાં આવશે.
ધર્મેન્દ્ર 12થી 15 ટકા લેખે વ્યાજ વસૂલતો: આ સમગ્ર મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે ધર્મેન્દ્ર પાસે લાઇસન્સ છે, જેનો દુરુપયોગ કરીને તે વ્યાજે રૂપિયા ફેરવતો હતો. નિયમ પ્રમાણે દોઢ ટકા જ વ્યાજ વસૂલી શકાય છે, પરંતુ આરોપી ધર્મેન્દ્ર 12થી 15 ટકા લેખે વ્યાજ વસૂલતો હતો. તેની સંપત્તિની વિગતો લઈને સંબંધિત વિભાગમાં જાણ કરવામાં આવશે.