રાજકોટ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 આર્ટસના સમાજશાસ્ત્રના વિષયમાં બૌદ્ધ ધર્મ વિશે ખોટી વિગતો છપાય હોવાથી તે વિગતો દૂર કરવાની માગ સાથે રાજકોટમાં બૌદ્ધ સમાજનાં ધર્મગુરૂઓ અને આગેવાનો દ્વારા રાજકોટ કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવામા આવી હતી.
બૌદ્ધ ધર્મગુરૂઓનો આરોપ: રાજકોટના અધિક કલેકટરને આ બાબતએ રજૂઆત કરતાં બૌદ્ધ ઉપાસિક રાજકોટ સંઘના સુમેત સતાગતે જણાવ્યું હતું કે, "ધોરણ 12 આર્ટસના સમાજશાસ્ત્રના વિષયમાં બૌદ્ધ ધર્મ વિશે અસત્ય વિગતો છાપવામાં આવી છે. જે વિગતો દૂર કરવા માટે આજે કલેકટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા છીએ.
ધોરણ 12ના વિદ્યાર્થીઓ ખોટી માહિતી સાથે પુસ્તક વાંચશે અને તેની પરીક્ષા આપશે, જેથી તાત્કાલિક આ માહિતી પુસ્તકોમાંથી દૂર કરવી અને સાચી માહિતી સાથેનું નવું પુસ્તક બહાર પાડવું જોઈએ તેવી અમારી માગણી છે." આ બાબતે જવાબ આપતા અધિક કલેકટર ચેતન ગાંધીએ આશ્વાસન આપતા કહ્યું છે કે, તેઓ આ માંગની રજૂઆત ઉપરી અધિકરો સુધી પહોંચાડશે.
ખોટી માહિતીઓ દૂર થાય તેવી માગણી: આ વિશે સુમેત સતાગતે વધુમાં જણાવતા કહ્યું કે, "લોકોને બૌદ્ધ ધર્મ બાબતે ગુમરાહ કરી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેમજ બૌદ્ધ સમાજની લાગણી દુભાઈ છે. જેથી વિષયની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક અસરથી બુકમાં છાપેલી ખોટી માહિતીઓ દૂર કરી સત્ય હકિકત છાપવામાં આવે તેવી અમારી લાગણી અને માગણી છે."