સુરત: કામરેજનાં માંકણા ગામે મણી નગર ફળીયામાં રહેતા જીતેનભાઈ પટેલનો 24 વર્ષીય પુત્ર જશ જીતેન પટેલ આજથી બે વર્ષ પૂર્વે સ્ટૂડન્ટ વિઝાથી કેનેડા ખાતે બિઝનેસ મેનેજમેન્ટનું ભણવા માટે ગયો હતો. જશને કેનેડા ગવર્મેન્ટ દ્વારા એક વીકનાં 20 કલાક જોબ કરવા માટે વર્ક મંજૂરી મળતા તે વોલમાર્ટમાં પાર્ટ ટાઈમ જોબ કરવા સાથે કેનેડાનાં પિટરબોરો ખાતે આવેલી ફ્લેમીંગો કોલેજમાં પોતાનું બિઝનેસ મેનેજમેન્ટનું ભણી રહ્યો હતો.
યુવક પાણીમાં ગરકાવ: ગત તારીખ 1 જૂલાઈ 2024ના રોજ કેનેડા ખાતે કેનેડીયન ડેની રજા હોવાથી જશ પટેલ પોતાનાં રૂમ પાર્ટનરો સાથે સાંજે જોબ પરથી આવ્યા પછી ફરવા માટે નિકળ્યો હતો. એ દરમિયાન પિટરબોરો ખાતે આવેલા એક લેક (તળાવ)માં જશ તેનાં મિત્રો સાથે નહાવા માટે ઉતર્યો હતો. અચાનક જશ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ કરીને જશ પટેલને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યાં સુધીમાં તેનું મોત નીપજ્યું હતું. જેની જાણ જશ પટેલનાં પરીવારજનોને કરવામાં આવતા તેમનાં પગ તળેથી જમીન ખસી ગઈ હતી.
પોતાનાં વ્હાલસોયા પુત્રને ગુમાવી દીધા બાદ તેનો મૃતદેહ લેવા માટે માંકણા ગામના જશના પિતરાઈ અને લાલચુડા સમાજનાં યુવા મંત્રી યતીન પટેલે ભારતનાં વિદેશ મંત્રાલયને સમગ્ર કરૂણાંતિકા અંગે અવગત કરતા વિદેશ મંત્રાલયે આ અંગે કેનેડા ખાતે જરૂરી મદદનું આહવાન કર્યું હતું.
મૃતદેહને ગુજરાત લવાયો: કેનેડાના ટોરેન્ટો ખાતે આવેલા ઈન્ડિયન કાઉન્સલેટ જશ પટેલનાં પરીવારની વ્હારે આવી જશનાં પિતરાઈ યતીન પટેલ સાથે જરૂરી વાતચીત કરી હતી. આજરોજ જશ પટેલનો મૃતદેહ હવાઈ માર્ગે ગુજરાત આવ્યો હતો. અને કામરેજ તાલુકાના માંકના ગામે પરિવારને સોંપવામાં આવ્યો હતો. પોતાના લાડકોડથી ઉછરેલ અને સપના પુરા કરવા વિદેશ મોકલેલ દીકરાનો મૃતદેહ જોઈ પરિવાર સહિત હાજર સૌ કોઈ હીબકે ચડ્યા હતા. ભારે હૈયે હિન્દુ રીત રિવાજ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જશના અંતિમ સંસ્કારના બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા.