તાપી: જિલ્લાના સોનગઢ ખાતે ગત મોડી સાંજે સોનગઢ તાલુકા પંચાયતના સભ્ય ઊર્મિલાબેન ગામીત પર 5 થી 7 લોકોએ જીવલેણ હુમલો કરવાનો આરોપ છે. ત્યારે ઇજાગ્રસ્ત મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારે પોલીસે પીડિત મહિલાની ફરિયાદના આધારે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
કોંગ્રેસ મહિલા સભ્ય પર હુમલો: પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત મોડી સાંજે રાણીઅંબા ગામ નજીક સોનગઢ તાલુકા પંચાયતના ટોકરવા બેઠકના કોંગ્રેસના સભ્ય ઉર્મિલાબેન ગામીત પર 5 થી 7 જેટલા લોકોએ હુમલો કર્યા હોવાનો આરોપ છે. પીડિત મહિલા પોતાની દિકરી સાથે ઘર તરફ પરત ફરી રહ્યા હતા. ત્યારે 2 ફોર-વ્હીલ ગાડીમાં આવેલા 5 થી 7 લોકોએ મહિલા પર હુમલો કર્યો હતો. હુમલાખોરોમાં એક મહિલા શોભના ગામિત પણ શામેલ હતી.
અનૈતિક સંબંધ હોવાના શકમાં હુમલો: આ આરોપી મહિલાને પીડિત મહિલા પર વહેમ હતો કે, તેના પતિ લાલસિંગ ગામિત સાથે પીડિત મહિલાના સંબંધો છે. જે વાતને લઇને લાલસિંગ ગામિતની પત્ની અને પુત્ર સાથે મળીને અન્ય સ્ત્રીઓ સાથે ભેગા થઇને આ મહિલા પર હુમલો કર્યા હોવાનો આરોપ છે. આરોપીઓએ મહિલાને ડાબા હાથે હોકી સ્ટીકથી ફટકા મારતા 3 ફ્રેક્ચર થયાનું સામે આવ્યું છે. આ સાથે આરોપીઓએ પીડિત મહિલા ઉર્મિલાબેના વાળ કાપીને કપડા ફાડી નાખ્યા હોવાનો આરોપ પણ છે.
સ્થાનિકો દ્વારા મહિલાને હોસ્પિટલે ખસેડાઇ: આ સમગ્ર ઘટનાની જાણ સ્થાનિકોને થતા પીડિત ઉર્મિલાબેન ગામીતને સ્થાનિક લોકોએ 108 મારફતે સોનગઢ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસે ગુન્હો દાખલ કરીને લાલસિંગ ગામિતની પત્ની અને તેના પુત્ર સહિત ગુન્હામાં સંકળાયેલા આરોપીઓને લૂંટ અને મહાવ્યથાની કલમો હેઠળ કાર્યવાહી કરી હતી.
પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી કરી: તાપી જિલ્લાના નિઝર ડિવિઝનના નાયબ પોલીસ અધીક્ષક ઇશ્વર પરમારે માહિતી આપી હતી કે, ભારતીય ન્યાય સહિંતાની લૂંટ અને મહાવ્યથાની કલમો હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર પીડિત મહિલા પુત્રી સાથે એક્ટીવા પર ઘરે જતી હતી ત્યારે આરોપી શોભના ગામિત તેના પુત્ર સાથે અન્ય સ્ત્રીઓ આવી હતી અને મારા પતિ સાથે સંબંધ કેમ રાખે છે, તેમ કહીને ગાળો બોલીને આરોપી મહિલાના પુત્રે હોકી સ્ટીકથી હુમલો કર્યો હતો. ફરિયાદીને કમર અને કપાળ સાથે ડાબા હાથે ઇજા પહોંચાડ્યા હોવાનો આરોપ છે. તેમજ આરોપીઓએ મહિલાનું સોનાનું પેન્ડેન્ટ ઝૂંટવી લેવાનો આરોપ પણ છે. પોલીસે આરોપીઓેને ઝડપી લીધા છે અને અન્ય આરોપીઓને ઝડપવાની કામગીરી ચાલુ છે.
આ પણ વાંચો: