બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં આજેય પરંપરાગત કાનુડાના ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પરંપરામાં ગામની બાળાઓ માટીમાંથી કાન્હાજીની મુર્તિ બનાવે છે. જે બાદ કાનુડાના ગીતો ગાઈ અનેરો ઉત્સવ મનાવવામાં આવે છે. શું છે આ ઉત્સવની પરંપરા અને કેવી રીતે મનાવાય છે આ કાનુડાનો ઉત્સવ. જાણો
ઢોલના તાલે ઝૂમે છે બાળાઓ: સમગ્ર ભારત દેશમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી થઈ રહી હતી. ત્યારે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના થરાદ સુઈગામ ભાભર સહિતના વિસ્તારોમાં ગ્રામ્ય સંસ્કૃતિની જાળવણી આજ દિન સુધી જોવા મળે છે. ત્યાં જૂની પરંપરાગત મુજબ આઠમની રાત્રે ગામની દીકરીઓ અને તમામ મહિલાઓ ભેગી થઈ ઢોલના તાલે નાચતા ગાતા ગામના તળાવમાંથી માટી લાવે છે અને રાત્રિના 12:00 વાગે જ્યારે કાનુડાનો જન્મ થાય ત્યારે કાનુડાની મૂર્તિ બનાવવામાં આવે છે અને મૂર્તિ પર સોના ચાંદીના આભૂષણો સજાવી કાનુડાની સ્થાપના કરે છે.
બીજા દિવસે એટલે કે સવારમાં નોમના દિવસે ગામની તમામ દીકરીઓ સવારમાં વહેલા કાનુડાને ગોળ તેમજ મિઠાઈ ખવડાવી મોં મીઠું કરવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારના પહેરવેશ એટલે કે ઘાઘરો ચોળી પહેરી તમામ દીકરીઓ ભેગી થઈને દેશી ઢોલના તાલે કાનુડાના દેશી ગીતો સાથે કાનુડો રમે છે. અને હરખભેર જન્માષ્ટમીની ઉજવણી કરે છે.
વર્ષો જૂની પરંપરા હજૂ સુધી જીવંત: જોકે જૂની વર્ષોથી ચાલી આવતી આ પરંપરાગત મુજબ ગામની મહિલાઓ જન્માષ્ટમીના આગળના દિવસે તેમના પિયરમાં કાનુડો રમવાડવા જાય છે. અને જન્માષ્ટમીની કાનુડો રમવા આવવાની જૂની પરંપરા છે. જોકે તે મુજબ મહિલાઓ પોતાના પિયરમાં આવે છે અને બાળપણની તમામ સહેલીઓ સાથે દેશી ઢોલના તાલે કાનુડો રમતી નજરે જોવા મળે છે. જોકે કાનુડાને વચ્ચે રાખવામાં આવે છે અને કાળા કાનુડાની ગોળ ફરતી જાય છે અને રમતી જાય છે. જ્યારે નાના બાળકોને પણ કનૈયા બનાવવામાં આવે છે અને અમુક ગામડાઓમાં બાળકો જોડે મટકી ફોડવામાં પણ આવે છે.
કાનુડાની મુર્તિનું વિસર્જન: સરહદી પંથકના લોકોમાં કાનુડાને વાળવાની પરંપરા પણ જોવા મળે છે. જેમાં નોમના દિવસે ગામના યુવાનો આગેવાનો ભેગા મળીને કાનુડાને વાળવામાં આવે છે જ્યારે ગામની દીકરીઓ ઢોલના તાલે કાનુડાના ગીતો ગાયને ગાતા ગાતા કાનુડાને વિસર્જન કરવામાં જતા હોય ત્યારે ગામના લોકો ગામની દીકરીઓને પાછી વાળે છે અને તમામ સમાજના ભાઈઓને યુવાનો ભેગા થઈને દીકરીઓ માટે જમવાનું બનાવે છે અને તમામ ગામની દીકરીઓને જમવાનું મીઠાઈ સાથે પીરસે છે અને જમ્યા બાદ થાળીઓ પણ ગામના યુવાનો ધોવે છે.
આજે ભલે આખો દેશ આધુનિક યુગના રંગે રગાયો હોય પણ આજે પણ બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં લોકો પરંપરાગત ઉસત્વ ઉજવીને આનંદ માણતા હોય છે.